Aquarius Horoscope 2023: કુંભ રાશિના જાતકોને આ વર્ષે શનિદેવ ખૂબ મહેનત કરાવશે, કરિયર બાબતે સાવધાની રાખવી જરુરી

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Sat, 31 Dec 2022 10:46 AM (IST)Updated: Sat, 31 Dec 2022 11:50 AM (IST)
aquarius-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ. Aquarius Yearly Horoscope 2023: કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાન્યુઆરી મહિનામાં શનિ તમારી રાશિ પરથી ગોચર કરશે, તેથી જીવનમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળશે. હાલ શનિની સાડાસાતી ચાલી રહી છે, ત્યારે આ વર્ષે તમે નવા-નવા પડકારોનો સામનો કરવો પડશે. 2023માં ગુરુ-શનિ-રાહુ-કેતુનું ગોચર તમારા જીવનમાં કેટલાક મોટા પરિવર્તનો લાવશે. વાંચો તમારા નવા વર્ષનું સંપૂર્ણ ફળકથન.

ગોચર પ્રમાણે ફળકથન
આ વર્ષની શરુઆતમાં ગુરુ તમારી રાશિથી બીજા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. તમારે આ વર્ષે થોડા ખર્ચા થયા હશે અને ધનસંચય કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ આ વર્ષે એપ્રીલમાં ગુરુ પોતાની રાશિ મીનને છોડીને મેષ રાશિમાં ગોચર કરશે, તે સમયે તમારી નિર્ણયશક્તિ પાવરફૂલ થશે અને તમે નવા સાહસ લઈ પોતાના ધંધામાં કે નોકરીમાં સફળ થશો.

શનિ દેવનું ગોચર આ સાત વર્ષતો તમને હેરાન કરવાનું જ છે. આ વર્ષની શરુઆતમાં શનિ તમારી રાશિથી બારમાં સ્થાને ગોચર કરશે.જે જાન્યુઆરી મહિના સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે દરેક બાબતે સાચવવાની જરુરિયાત છે. તમારા ખર્ચામાં વધારો થશે અને થોડુ નુકસાન થવાની પણ સંભાવના છે.

જાન્યુઆરી મહિના પછી શનિ દેવ તમારી રાશિ પરથી ગોચર કરશે, તમે આ સમયે થોડી આળસનો અનુભવ કરશો. પોતાના કામમાં જ ઉત્સાહિત રહેશો અન્યના કામમાં સહેજ પણ રસ નહીં રહે. કર્મ સારા હશે તો શનિ મહારાજ શ્રેષ્ઠ પ્રતિષ્ઠા આપશે નહીં તો ઉપરથી નીચે લાવવામાં શનિ દેવ સહેજ પણ રાહ નહીં જોવે.

વ્યવસાય
વ્યવસાયની દ્રષ્ટિએ આ વર્ષ તમારું ખૂબ જ સારુ રહેવાનું છે. જો તમે પાર્ટનરશીપમાં ધંધો કરતા હોવ તો પાર્ટનર સાથે સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે. એકંદરે આ વર્ષે વ્યવસાય તેમજ નોકરી માટે તમારા માટે મધ્યમ સાબિત થશે.

આરોગ્ય
આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષે સાચવવું ખૂબ જ જરુરી બની રહેશે. આંખ અને દાંતના રોગો થઈ શકે છે. માથામાં દુ:ખાવો થતો હોય તો તેને નજરઅંદાજ કરવો નહીં આગળ જતા તે ગંભીર સ્વરુપ ધારણ કરી શકે છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સારુ રહેશે.

લગ્ન અને પ્રેમજીવન
લગ્ન અને પ્રેમજીવનમાં આ વર્ષ નોંધપાત્ર રહેવાનું છે. જો તમે અપરિણિત છો તો આ વર્ષના એપ્રિલ મહિના પછી લગ્નના યોગો બની રહ્યા છે, કારણ કે ગુરુની દ્રષ્ટિ તમારા સાતમાં સ્થાને થશે અને તેનાથી લગ્નના યોગો પ્રબળ થશે. લગ્નજીવનમાં શનિની દ્રષ્ટિ સાતમે આવવાથી જીવનસાથી સાથે સંબંધો સાચવવા જરુરી. નાની-નાની વાતે તકરારો થશે પરંતુ તમે પોતાની વિવેકબુદ્ધિથી તેનું નિરાકરણ લાવવામાં સફળ રહેશો.

અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ થોડું સંઘર્ષમય રહેશે. IT, મેડિકલ, કોમર્સ, એન્જિનિયરીંગ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે શુભ સમય રહેશે. ડિગ્રીનું વર્ષ ચાલતુ હોય તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી બની રહેશે.

ખાસ નોંધ- આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે અંગત કુંડળી પ્રમાણે ફળકથનમાં ફેરફાર હોઈ શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.