Sam Pitroda: સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, રંગભેદવાળા નિવેદનના વિવાદ વચ્ચે લીધો નિર્ણય

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકોને રંગભેદ થકી વિવાદિત રીતે તુલના કરતા જોવા મળ્યા.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 08 May 2024 08:21 PM (IST)Updated: Wed 08 May 2024 08:24 PM (IST)
sam-pitroda-resigns-as-indian-overseas-congress-president-decision-amid-controversy-over-racist-remarks-327186

Sam Pitroda: લોકસભા ચૂંટણી વચ્ચે વિવાદિત નિવેદન કરીને ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ જાણકારી પાર્ટીના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તો જયરામ રમેશની એક્સ પોસ્ટને સામ પિત્રોડાએ રી પોસ્ટ પણ કરી છે.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ભારતના અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકોને રંગભેદ થકી વિવાદિત રીતે તુલના કરતા જોવા મળ્યા. વીડિયોમાં પિત્રોડા પૂર્વી ભારતના લોકોની તુલના ચાઈનીઝ અને દક્ષિણ ભારતના લોકોની તુલના આફ્રિકી લોકો સાથે કરતા જોવા મળી રહ્યાં છે. જેણે લઈને કોંગ્રેસ બેકફુટ પર છે. જો કે પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સાઈડલાઈન કરી દીધી છે.

સામ પિત્રોડાના નિવેદન પર હવે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનને પોતાને સંપૂર્ણ રીતે અલગ કરી લીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરતા કહ્યું કે, સામ પિત્રોડાએ એક પોડકાસ્ટમાં ભારતની વિવિધતાને દર્શાવવા માટે જે તુલના કરી છે તે અંત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઉપમાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.

સામ પિત્રોડાએ શું કહ્યું હતું?
વીડિયોમાં સામ પિત્રોડા કહે છે કે, ભારત એક અત્યંત વિવિધતાવાળો દેશ છે, જ્યાં પૂર્વી ભારતમાં રહેતા લોકો ચાઈનીઝ જેવા, પશ્ચિમમાં રહેતા લોકો આરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો શ્વેત જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકી જેવા દેખાય છે. પરંતુ તેનાથી કોઈ ફર્ક નથી પડતો. આપણે સૌ ભાઈ-બહેન છીએ. તેમણે કહ્યું હતું કે, આપણે અલગ-અલગ ભાષાઓ, ધર્મો અને રીત-રિવાજોનું સન્માન કરીએ છીએ. આ તે જ ભારત છે જેના પર મારો સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યાં દરેક લોકોનું સન્માન છે અને દરેક લોકો થોડી ઘણી સમજૂતીઓ કરે છે.

વારસા ટેક્સને લઈને પણ આપ્યું હતું નિવેદન
આ પહેલા સામ પિત્રોડાએ વારસા ટેક્સને લઈને આપેલા નિવેદન પર પણ વિવાદ થયો હતો. તેમણે આ નિવેદન રાહુલ ગાંધીની તે ટિપ્પણીના જવાબ આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ સરકારમાં આવી તો એક સર્વે કરાવવામાં આવશે અને વિગત લેવામાં આવશે કે કોની પાસે કેટલી સંપત્તિ છે. તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પિત્રોડાએ અમેરિકામાં લાગતા વારસા ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો. પિત્રોડાએ કહ્યું હતું કે, અમેરિકામાં વારસા ટેક્સ લાગે છે. જો કોઈ વ્યક્તિની પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ છે. તેમના મર્યા બાદ 45 ટકા સંપત્તિ તેના બાળકોને ટ્રાંસફર થઈ જાય છે જ્યારે 55 ટકા સંપત્તિ પર સરકારનો માલિકી હક્ક લાગે છે.

પિત્રોડાએ કહ્યું હતું કે, આ ઘણો જ રોચક કાયદો છે. તે અંતર્ગત જોગવાઈ છે કે તમારે તમારા જીવનમાં ખૂબ સંપત્તિ છે અને તમારા ગયા બાદ તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડવી જોઈએ. પૂરી સંપત્તિ નહીં પરંતુ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં આવો કોઈ જ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજની સંપત્તિ છે, તો તેના મર્યા બાદ તેમના બાળકોને તમામ સંપત્તિ મળે છે, જનતા માટે કંઈ જ નથી વધતું. મને લાગે છે કે આ પ્રકારના મુદ્દાઓ પર લોકોએ ચર્ચા કરવી જોઈએ. મને નથી ખબર કે આવી ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા પ્રોગ્રામની વાત કરીએ છીએ જે લોકોના હિતમાં હોય ન કે માત્ર અમીરોના હિતમાં જ. પિત્રોડાના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો.