Chaitar Vasava News: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળવામાં થતા વિલંબ મુદ્દે હવે પાર્ટીએ મોટી કાનૂની વ્યૂહરચના ઘડી છે. વડોદરા લોકસભાના પ્રભારી વિરેન રામીએ માહિતી આપતા જણાવ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીને નિમવામાં આવ્યા છે.
વિરેન રામીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આદિવાસી પંથકમાં છડેચોક ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને ચૈતર વસાવાએ આ કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો. તેમના કહેવા મુજબ કૌભાંડમાં સંકળાયેલા તત્વો બેબાકળા થઈ ગયા છે અને એના પરિણામે ચૈતર વસાવાને જેલમાંથી બહાર નહીં આવવા દેવાનો કારસો રાચવામાં આવ્યો છે.
ચૈતર વસાવાની ધરપકડ પછીથી આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવતી આવી છે કે સરકાર અને પ્રભાવશાળી તત્વો એના પર રાજકીય બદલો લેવાના ઈરાદાથી કામ કરી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે વસાવા પર મૂકાયેલા આરોપો ખોટા છે અને એ માત્ર વિરોધ દમનનો પ્રયાસ છે.
હાલ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણીમાં વારંવાર વિલંબ થતાં પાર્ટીએ હવે દેશના જાણીતા સિનિયર વકીલની સેવા લઈને કાનૂની લડત તેજ કરી છે. પાર્ટી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે અંતિમ હદ સુધી લડત આપશે.
આ મુદ્દો આદિવાસી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ચૈતર વસાવાના સમર્થકો એના ઝડપી મુક્તિ માટે સતત માગણી કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં લડત શરૂ થવાથી આગામી દિવસોમાં આ મામલે મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે.