Chetan Raval Resignation News: કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા વરિષ્ઠ નેતા ચેતન રાવલે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામા પાછળ તેમણે અંગત કારણો દર્શાવ્યા છે. આ ઘટના બાદ હવે તેઓ ફરીથી પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં પરત ફરશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે, ચેતન રાવલે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
અમદાવાદની બે બેઠકો પરથી ચૂંટણી લડી ચૂક્યા છે ચેતન રાવલ
નોંધનીય છે કે, ચેતન રાવલ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. રાજકારણમાં તેમનો સારો એવો અનુભવ છે. તેઓ અમદાવાદની બે બેઠકો પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસ છોડીને 'આપમાં જોડાયા હતા. તે સમયે તેમણે કોંગ્રેસ પર સંગઠનની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે પક્ષની દિશા તેમની વિચારધારા સાથે સુસંગત નથી.
રાજીનામામાં 'અંગત કારણો'નો ઉલ્લેખ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લખેલા રાજીનામા પત્રમાં ચેતન રાવલે સ્પષ્ટ લખ્યું છે કે, હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. જોકે, આ રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં તેમની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આગામી દિવસોમાં તેઓ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.