Crime News: સરકારના અનેક પ્રયાસ છતાં દેશમાં પુરુષોની સંખ્યા સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેટલાક સમાજોમાં તો પરણવા લાયક ઉંમર થઈ ગઈ હોવા છતાં યુવકોને કોઈ યુવતી નથી મળતી. આથી આવા યુવકો સમયસર લગ્ન કરવા માટે કેટલાક લેભાગુ તત્વોના હાથમાં સપડાય છે અને પછી ઠગાઈનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી સામે આવ્યો છે. જેમાં એક પરિણીત યુવતીએ પોતે કુંવારી હોવાનું જણાવી હોટલ મેનેજર સાથે લગ્ન કર્યાના ત્રીજા દિવસે જ ઘરમાં હાથફેરો કરીને ફરાર થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ શાજાપુરનો વતની રાજકુમાર પરમાર (33) ઈન્દોરની હોટલમાં મેનેજર તરીકે કામ કરે છે. પોતાની ઉંમર થઈ ગઈ હોવા છતાં યોગ્ય કન્યા ના મળતી હોવાથી તેણે શાજાપુરમાં રહેતા પોતાના મિત્ર સંદિપ પરમારને વાત કરી રાખી હતી. આથી સંદિપે મુકેશ પરમાર નામના એક યુવક સાથે રાજકુમારની વાત કરાવી હતી. જેણે પોતાની ઓળખ શાજાપુરમાં રહેતી પૂજા પરમારના મામા તરીકે આપી હતી.
આ પણ વાંચો
બન્ને પક્ષો વચ્ચે વાતચીત થયા બાદ ગત 1જૂનના રોજ રાજકુમાર અને પૂજાના લગ્ન થઈ ગયા હતા. જો કે લગ્નના ત્રીજા દિવસે એટલે કે 4 જૂને પૂજા ઘરમાંથી દોઢ લાખ રૂપિયા રોકડા અને પોતાની સાસુના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.
આથી રાજકુમારે તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે, પૂજા તો પહેલાથી પરણેલી છે. તેણે પોતાના પતિ વિરુદ્ધ પણ કોર્ટમાં કેસ કર્યો છે. જ્યારે મુકેશને વાત કરી તો, તેણે પણ રાજકુમારને ધમકી આપી અને કહ્યું કે, પૂજા પાસે તારા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવી દઈશ.
આ મામલે રાજકુમાર પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયો, તો તેમણે ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે કંટાળીને રાજકુમારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં મેજિસ્ટ્રેટેટ જયકુમાર જૈને ઓર્ડર આપતા હીરાનગર પોલીસે લૂંટેરી દુલ્હન પૂજા પરમાર, મુકેશ અને સંદિપ વિરુદ્ધ ચોરી અને ઠગાઈનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.