Indian Origin Family Missing In US: અમેરિકામાં ભારતીય મૂળનો એક પરિવાર ગુમ થઈ ગયો છે. આ પરિવાર ન્યૂયોર્કનો રહેવાસી હતો અને વેસ્ટ વર્જિનિયામાં આવેલા એક આધ્યાત્મિક સ્થળ તરફ જઈ રહ્યો હતો. ગુમ થયેલા તમામ 4 લોકો વરિષ્ઠ નાગરિક છે અને બધાની ઉંમર 80 વર્ષથી વધુ છે. તેમને છેલ્લે 29 જુલાઈના રોજ બર્ગર કિંગના એક આઉટલેટ પર જોવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા લોકોની ઓળખ 85 વર્ષીય આશા દીવાન, 89 વર્ષીય કિશોર દીવાન, 86 વર્ષીય શૈલેષ દીવાન અને 84 વર્ષીય ગીતા દીવાન તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તેમની શોધ માટે અભિયાન ચલાવવામાં આવશે અને તેમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે.
બર્ગર કિંગ પર છેલ્લે દેખાયો હતો પરિવાર
આ લોકો ન્યૂયોર્ક લાઇસન્સવાળી નંબર પ્લેટ EKW2611 લગાવેલી લાઇમ ગ્રીન કલરની 2009 મોડેલ ટોયોટા કેમરી કારથી જઈ રહ્યા હતા. તેમને ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરથી વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટી સ્થિત પ્રભુપાદ પેલેસ ઓફ ગોલ્ડ જવાનું હતું. પેન્સિલ્વેનિયાના એક બર્ગર કિંગ આઉટલેટના સીસીટીવીમાં આ લોકો દેખાયા હતા. તેમના ક્રેડિટ કાર્ડની એન્ટ્રી પણ છેલ્લે અહીં જ થઈ હતી.
પોલીસ દ્વારા શોધખોળ શરૂ
પેન્સિલ્વેનિયા સ્ટેટ પોલીસના એક લાઇસન્સ પ્લેટ રીડર પર મંગળવારે બપોરે 2:45 વાગ્યે I-79 પર તેમની ગાડી સાઉથ તરફ જતી સ્કેન કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક પુરાવા મળ્યા છે, પરંતુ ચારેયનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. વેસ્ટ વર્જિનિયાના માર્શલ અને ઓહાયો કાઉન્ટીની પોલીસ રસ્તાઓ પર તપાસ કરી રહી છે.
ન્યૂ યોર્કના વિલિયમ્સવિલે સ્થિત એક બિન-લાભકારી સંસ્થા 'કાઉન્સિલ ઓફ હેરિટેજ એન્ડ આર્ટસ ઓફ ઇન્ડિયા'એ પણ જાગૃતિ અભિયાન ચલાવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેમની તસવીરો શેર કરીને ઝુંબેશ ચલાવવામાં આવી છે અને લોકોને કોઈપણ માહિતી શેર કરવા અપીલ કરવામાં આવી છે.