Indian Railways New Rules 2025: ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે લોઅર બર્થ (નીચેની સીટ)ની ફાળવણીમાં મહિલાઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ સૌથી વધુ જરૂરિયાત ધરાવતા મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.
રેલ મંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ટ્રેનમાં નીચેની સીટોની સંખ્યા મર્યાદિત હોવાને કારણે દરેક મુસાફરને લોઅર બર્થ આપવી શક્ય નથી. જોકે, રેલવેએ એવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કર્યો છે કે જે મુસાફરોને તેની સૌથી વધુ જરૂર હોય તેમને જ આ સુવિધા મળે.
કોને મળશે પ્રાથમિકતા?
પ્રથમ પ્રાથમિકતા: મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) અને દિવ્યાંગ મુસાફરો.
કોચમાં ઉપલબ્ધતા:
- સ્લીપર કોચ: 6 થી 7 લોઅર બર્થ.
- થર્ડ AC: 4 થી 5 લોઅર બર્થ.
- સેકન્ડ AC: 3 થી 4 લોઅર બર્થ.
દિવ્યાંગ મુસાફરો માટે અનામત સીટો
ભારતીય રેલવે દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ પૂરી પાડી રહી છે જેથી તેમને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે. આ માટે:
- સ્લીપર કોચ: 2 લોઅર બર્થ અનામત.
- થર્ડ AC અને થર્ડ ઈકોનોમી: 4 લોઅર બર્થ અનામત.
- સેકન્ડ સીટિંગ (ચેર કાર): 4 સીટો અનામત.
મુસાફરી દરમિયાન ખાલી સીટનું વિતરણ
જો મુસાફરી દરમિયાન કોઈ લોઅર બર્થ ખાલી રહે છે, તો તેને સૌપ્રથમ મિડલ અથવા અપર બર્થ પર મુસાફરી કરી રહેલા સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓને ફાળવવામાં આવશે. આ નિયમ મુસાફરીના સમયગાળા દરમિયાન લાગુ થશે.