Trump Tariffs India: બુધવારથી ભારતીય ઉત્પાદનો પર અમેરિકા દ્વારા 50 ટકા ઉચ્ચ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી 48.2 બિલિયન ડોલરના ભારતીય નિકાસ પર સીધી અસર પડશે. આ ટેરિફના કારણે ભારતીય ઉત્પાદનો અમેરિકી બજારોમાં ખૂબ મોંઘા બનશે અને ઘરેલુ નિકાસકારો માટે બાંગ્લાદેશ તથા વિયેતનામ જેવા સ્પર્ધકો સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે, કારણ કે તેમના પર ઓછો 20 ટકા ટેરિફ લાગુ પડે છે.
10-15 લાખ નોકરીઓ જવાનો ભય
ઇએમ ઇક્વિટીઝના સહ-પ્રમુખ રાફેલ લુએશરના મતે આ વધારાનો ટેરિફ ભારતની વિનિર્માણ મહત્વાકાંક્ષાઓને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી અમેરિકી ટેરિફના પ્રભાવ હેઠળ આવતી ભારતીય કંપનીઓ રોકાણ સંબંધિત નિર્ણયો ટાળી શકે છે, જેની નકારાત્મક અસર નોકરીઓ પર પડશે. કાપડ, ફૂટવેર, જ્વેલરી અને ઓટો પાર્ટ્સ જેવા ઉદ્યોગોમાં આગામી 12 મહિનામાં 10-15 લાખ નોકરીઓ ગુમાવવાનો ભય છે. એકલા કાપડ ક્ષેત્રમાં એક લાખથી વધુ અને સુરત અને મુંબઈના રત્ન-આભૂષણ ઉદ્યોગમાં પણ એક લાખથી વધુ નોકરીઓ જોખમમાં છે. ખાસ કરીને, હસ્તનિર્મિત આભૂષણોની નિકાસ પર ભારે અસર થવાની શક્યતા છે.
જોકે, બાસમતી ચોખાના નિકાસને લઈને મોટી ચિંતા નથી. નિકાસકારોનું કહેવું છે કે અમેરિકાને નિકાસ થતા 2.70 લાખ ટન ચોખાને અન્ય દેશોમાં સરળતાથી ખપાવી શકાય છે, કારણ કે પાકિસ્તાન એકલું અમેરિકાની બાસ્મતી ચોખાની જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી.
આ પણ વાંચો
પીએમ મોદીએ કરી બેઠક
આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ અને નાણાં અને વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. આ બેઠકમાં નિકાસકારો અને વર્કર્સ માટે રાહત પેકેજનો '6 મહિનાનો રોડમેપ' તૈયાર કરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રો માટે નવા બજારો ઉપલબ્ધ કરાવવાનો છે અને ત્યાં સુધી રાહત ચાલુ રાખવાનો છે. સરકારના વ્યૂહરચનાકારો માને છે કે જો અમેરિકી ટેરિફનો વિકલ્પ શોધી લેવામાં આવે તો આ સંકટ મહત્તમ 6 મહિના સુધી રહેશે.