Bihar Patna Road Accident: બિહારમાં પટના જિલ્લાના દનિયાવાંમાં શનિવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 7 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પટના રીફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહેલા એક ઓટોને એક તેજ રફ્તાર ટ્રકે ટક્કર મારી હતી.
પટનામાં ટ્રકે ઓટોને ટક્કર મારતાં 7 લોકોના મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હિલસાના મલામા ગામના લોકો એક ઓટોમાં સવાર થઈને ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક તેજ રફ્તાર ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોના ફુરચા ઉડી ગયા હતા. ઘટના બાદ ટ્રક ચાલક વાહન સહિત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમની ગંભીર હાલતના કારણે તેમને પટના રીફર કરવામાં આવ્યા. પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.