Air India: એર ઇન્ડિયાના વિમાન AI2455ને તકનીકી ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડ કરાયું હતું. થિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલા આ વિમાનમાં કોંગ્રેસના નેતા અને સાંસદ કેસી વેણુગોપાલ સહિત કુલ પાંચ સાંસદો – કેસી વેણુગોપાલ, કોડિક્કુનિલ સુરેશ, અડૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ સહિત લગભગ 100 મુસાફરો સવાર હતા. વિમાન સુરક્ષિત રીતે ચેન્નાઈમાં ઉતર્યું હતું, જ્યાં તેની જરૂરી તપાસ કરવામાં આવશે.
બે કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટ ઉપર ક્લિયરન્સની રાહ જોતું રહ્યું
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ફ્લાઇટ મોડી શરૂ થઈ હતી અને ઉડાન ભર્યા પછી તરત જ ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાક પછી કેપ્ટને 'ફ્લાઇટ સિગ્નલ ફોલ્ટ'ની જાહેરાત કરી અને વિમાનને ચેન્નાઈ તરફ વાળી દીધું. વેણુગોપાલના મતે વિમાન લગભગ બે કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટ ઉપર ક્લિયરન્સની રાહ જોતું રહ્યું.
મુસાફરોની સલામતી નસીબ પર નિર્ભર ન હોવી જોઈએ
પ્રથમ ઉતરાણના પ્રયાસ દરમિયાન એક ચોંકાવનારી ક્ષણ આવી – રિપોર્ટ અનુસાર તે જ રનવે પર એક અન્ય વિમાન હાજર હતું. કેપ્ટનના ઝડપી નિર્ણયે વિમાનને ઉપર ખેંચી લીધું અને તમામ મુસાફરોનો જીવ બચી ગયો. બીજા પ્રયાસમાં, ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી. કેસી વેણુગોપાલે ભારપૂર્વક જણાવ્યું કે મુસાફરોની સલામતી નસીબ પર નિર્ભર ન હોવી જોઈએ અને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા તથા જવાબદારી નક્કી કરવા માટે DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરી.
Air India flight AI 2455 from Trivandrum to Delhi - carrying myself, several MPs, and hundreds of passengers - came frighteningly close to tragedy today.
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
જોકે, એર ઇન્ડિયાએ કેસી વેણુગોપાલના રનવે પર અન્ય વિમાનની હાજરીના દાવાને નકારી કાઢ્યો છે. એરલાઇને સ્પષ્ટતા કરી કે ચેન્નાઈ તરફ ફ્લાઇટનું ડાયવર્ઝન એક સાવચેતીનું પગલું હતું, જે શંકાસ્પદ તકનીકી સમસ્યા અને ખરાબ હવામાનની સ્થિતિને કારણે લેવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટ પર પ્રથમ ઉતરાણના પ્રયાસ દરમિયાન, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા "ગો-અરાઉન્ડ" (ઉતરાણ રદ કરવાનો) નિર્દેશ આપવામાં આવ્યો હતો, અને તે રનવે પર અન્ય કોઈ વિમાનની હાજરીને કારણે નહોતો. એર ઇન્ડિયાએ આ અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.