Air India Pilots Retirement Age: ટાટા ગ્રુપ (Tata Group)ની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયા (Air India)એ તેના પાયલટ માટે નિવૃત્તિની વય મર્યાદા (Retirement Age Limit For Pilots)વધારીને 65 વર્ષ કરી છે. જ્યારે અન્ય કર્મચારીઓ એટલે કે નોન ફ્લાઈંગ સ્ટાફ માટેની નિવૃત્તિ ઉંમરને વધારીને 60 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે વર્મતાન સમયમાં એર લાઈનમાં પાયલટ તથા અન્ય કર્મચારીઓ બન્ને માટે નિવૃત્તિની ઉંમર 58 વર્ષ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિટાયરમેન્ટ ઉંમર વધારવાની જાહેરાત એરલાઈની ટાઉનહોલમાં CEO અને MD ખેમ્પબેલ વિલ્સને કરી હતી.
એર ઇન્ડિયામાં લગભગ 24,000 કર્મચારીઓનો સ્ટાફ છે. આ પૈકી આશરે 3600 પાઇલટ્સ અને લગભગ 9500 કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાના કેબિન ક્રૂ માટે નિવૃત્તિ વય વધારવામાં આવી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમની નિવૃત્તિ વય હાલમાં 58 વર્ષ છે.
ટાટા ગ્રુપ એરલાઇન એર ઇન્ડિયા સાથે મર્જ થયેલી વિસ્તારામાં પાઇલટ્સ માટે નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષ અને નોન-ફ્લાઇંગ સ્ટાફ માટે 60 વર્ષ હતી. વિસ્તારા ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ હતું. નવેમ્બર 2024માં વિસ્તારાને એર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવ્યું હતું. એકીકરણ દરમિયાન એર ઇન્ડિયાના પાઇલટ્સના એક વર્ગમાં અસંતોષ હતો કે તેમના અને વિસ્તારાના તેમના સમકક્ષો માટે નિવૃત્તિ વયમર્યાદા અલગ હતી.