Sita Navami 2024: ભારતમાં અહીં આવેલું છે સીતા માતાનું પ્રખ્યાત મંદિર, દરરોજ દર્શન માટે ભક્તોની લાગે છે લાઈનો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 14 May 2024 05:00 AM (IST)Updated: Tue 14 May 2024 05:00 AM (IST)
sita-navami-2024-special-story-unique-mata-sita-temple-in-india-329560

Sita Navami 2024: સમગ્ર દેશમાં માતા સીતાના ઘણા એવા મંદિરો છે, જે ઈતિહાસને દર્શાવે છે. આ મંદિરો એવા છે, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરોમાંથી તમે રામાયણના રહસ્યોને પણ સમજી શકો છો. ભારતમાં એક એવું ખાસ મંદિર પણ છે, જ્યાં માતા સીતાની સાથે તેમના જુડવા પુત્રો લવ-કુશની પણ પૂજા કરવામાં આવે છે.

આવા જ ખાસ મંદિરો વિશે અમે આજના આ આર્ટિકલમાં વિગતવાર માહિતી આપીશું. સીતા નવમી 2024 પર તમે અહીં જઈ શકો છો. આ વર્ષે સીતા નવમી 16 મેના રોજ ઉજવવામાં આવશે.

સીતા માતા મંદિર, કેરળ
વાયનાડમાં આવેલું માતા સીતાનું આ ખાસ મંદિર લીલાછમ છોડ અને વૃક્ષોથી ઘેરાયેલું છે. આ ભારતના સૌથી દુર્લભ મંદિરોમાંનું એક છે. અહીં મંદિરમાં તમને લવ અને કુશની મૂર્તિઓ પણ જોવા મળશે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેલું છે. અહીં પૂજા માટે આવતા ભક્તો ખૂબ જ હળવાશ અનુભવે છે. મંદિરને સીતા દેવી લવ કુશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમય- સવારે 5:00 વાગ્યાથી - બપોરના 12:30 વાગ્યા સુધી
સાંજે 5:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી

સીતા ગુફા, મહારાષ્ટ્ર
નાસિકમાં આવેલા માતા સીતાના આ મંદિર વિશે તમે રામાયણ કથામાં પણ વાંચી શકો છો. નાસિકના પંચવટીમાં આવેલા આ મંદિરને સીતા ગુફા તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં માતા સીતા વનવાસ દરમિયાન ભગવાન રામની સાથે રહ્યા હતા. આ સ્થળ પર તમને પાંચ પવિત્ર વડના વૃક્ષો પણ જોવા મળશે. એટલા માટે જ આ સ્થળને પંચવટીના નામથી ઓળખવામાં આવે છે. ગુફામાં જવા માટે તમારે સીડીઓમાંથી પસાર થવું પડશે.

સમય- સવારે 6:00 વાગ્યાથી સાંજના 9:00 વાગ્યા સુધી.
કેવી રીતે પહોંચવું- નાસિક રેલવે સ્ટેશનથી ગુફા માત્ર 5 કિમી દૂર છે.

આ મંદિરમાં ભગવાન રામ વિના થાય છે માતા સીતાની પૂજા
મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના કરીલામાં માતા સીતાને સમર્પિત એક સૌથી ખાસ મંદિર આવેલું છે. ભારતનું આ સૌથી અલગ અને ખાસ મંદિર એટલા માટે માનવામાં આવે છે, કારણ કે અહીં શ્રી રામ વિના જ માતા સીતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં માતા સીતા તેમના બે પુત્રોની સાથે બિરાજમાન છે. આ ભારતના પ્રખ્યાત માતા સીતા મંદિરોમાંનું એક છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામે માતા સીતાનો ત્યાગ કર્યો હતો, ત્યારે તેઓ અહીં આવીને રહેતા હતા. માતા સીતાએ તેમનું પછીનું જીવન જંગલમાં આવેલું મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં વિતાવ્યું હતું.