Independence Day Essay 2025 in Gujarati | 15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) નિબંધ: ભારત દેશ તેનો 79મો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ, 2025 ના રોજ ઉજવવા માટે તૈયાર છે. સમગ્ર ભારત માટે ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ એવા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા હાલમાં નિબંધોની શોધ થઈ રહી છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, અમે આ આર્ટિકલમાં અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય તેવા ત્રણ નિબંધો રજૂ કરવામાં આવ્યા છે, જે 100, 150 અને 250 શબ્દોની મર્યાદામાં છે. આ નિબંધો સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક મહત્વ, આઝાદીની લડત, શહીદોના બલિદાન અને વર્તમાન સમયમાં તેની ઉજવણી પર પ્રકાશ પાડે છે. જો તમારી શાળામાં પણ સ્વતંત્રતા દિવસના અવસરે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ આર્ટિકલ તમારા કામનો છે.
સ્વતંત્રતા દિવસ નિબંધ (250 શબ્દો)
15મી ઓગસ્ટ: આઝાદીનો અમર દિવસ, દેશભક્તિનો પર્વ
ભારતના ઈતિહાસમાં 15મી ઓગસ્ટ, 1947નો દિવસ સુવર્ણ અક્ષરોથી અંકિત છે. આ એ પવિત્ર દિવસ છે જ્યારે આપણો દેશ લાંબી ગુલામી બાદ સ્વતંત્ર થયો અને વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો.
આઝાદીની લડત: એક સંઘર્ષની ગાથા
આઝાદી પહેલાં, લગભગ 200 વર્ષ સુધી ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. તેમના અત્યાચારો અને શોષણને કારણે દેશના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા, હજારો કારીગરો બેરોજગાર બન્યા અને સામાન્ય જનતા ખૂબ ત્રાસી ગઈ હતી. આ ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની લડત શરૂ કરી, જેમાં દેશની જનતાએ તેમને પૂરેપૂરો સાથ આપ્યો.
જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક અને લાલા લજપતરાય જેવા અનેક મહાન નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરી દીધું. આ ઉપરાંત, ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદ જેવા વીર યુવાનોએ હસતાં હસતાં ફાંસીના માંચડે ચઢી શહીદી વહોરી. આ તમામ બલિદાનોના પરિણામે, 15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયો, અને સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો.
દેશભરમાં ઉજવણીનો અનોખો માહોલ
દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ 'સ્વાતંત્ર્ય દિન' તરીકે ઉજવાય છે. આ દિવસે જાહેર રજા હોય છે, પરંતુ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે. રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. ઘણાં શહેરો અને ગામોમાં પ્રભાતફેરીઓ પણ નીકળે છે, જેમાં બાળકો દેશભક્તિનાં ગીતો ગાઈને દેશપ્રેમનાં સૂત્રો પોકારે છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો અને રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. આ દિવસે સાંજે સરકારી ઇમારતો, મકાનો અને દુકાનોને રોશનીથી શણગારવામાં આવે છે.
દિલ્હીના લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે અને તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે. આ કાર્યક્રમનું સીધું પ્રસારણ ટીવી પર કરવામાં આવે છે. આખો દિવસ રેડિયો અને ટીવી પર દેશભક્તિનાં ગીતો અને દેશપ્રેમને લગતી ફિલ્મો રજૂ થાય છે. આ પવિત્ર દિવસે આપણે આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સાથે જ આપણે દેશની આઝાદીનું રક્ષણ કરવા અને દેશને વધુ સમૃદ્ધ બનાવવાની પ્રતિજ્ઞા પણ લઈએ છીએ.
સ્વતંત્રતા દિવસ નિબંધ (150 શબ્દો)
15મી ઓગસ્ટ: રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની ગાથાનો પવિત્ર દિવસ
દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે લગભગ 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળી હતી. ભારતમાં, 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન), 15મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) અને 2જી ઓક્ટોબર (ગાંધી જયંતિ) એમ ત્રણ રાષ્ટ્રીય તહેવારોની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
દેશભરમાં ઉજવણીનો માહોલ
15મી ઓગસ્ટના રોજ તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં સવારથી જ ધ્વજવંદન કાર્યક્રમોનું આયોજન થાય છે. આ પ્રસંગે રાષ્ટ્રગાન ગવાય છે, દેશભક્તિનાં ગીતો રજૂ થાય છે અને દેશપ્રેમના નારા બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને નાટકો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવે છે. આ ઉપરાંત, યુવાનો ડીજેના તાલે દેશભક્તિનાં ગીતો વગાડી બાઇક રેલીઓ દ્વારા શહેરમાં ભ્રમણ કરી દેશભક્તિની લાગણી વ્યક્ત કરે છે. લોકો એકબીજાને મીઠાઈ અને ચોકલેટ ખવડાવીને આઝાદીની ખુશી મનાવે છે.
રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની ઉજવણી
દિલ્હીમાં લાલ કિલ્લા પર દેશના પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આ પ્રસંગે ભારતીય સેનાના ત્રણેય દળોના જવાનો દ્વારા પરેડ યોજી શક્તિપ્રદર્શન કરવામાં આવે છે. આ દિવસે, સેનામાં વિશિષ્ટ સેવાઓ આપનાર જવાનોને પરમવીર ચક્ર, અશોક ચક્ર અને શૌર્ય ચક્ર જેવા સન્માનોથી નવાજવામાં આવે છે. દેશનું ગૌરવ વધારનાર ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવે છે.
દરેક રાજ્યમાં પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થાય છે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ નક્કી કરાયેલા જિલ્લામાં યોજાય છે, જ્યાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે. પેરામિલિટરી, પોલીસ અને એન.સી.સી.ના જવાનો દ્વારા પરેડ યોજીને ધ્વજને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવે છે.
આ પવિત્ર દિવસે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને યાદ કરી તેમના બલિદાનને વંદન કરવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસ નિબંધ (100 શબ્દો)
15મી ઓગસ્ટ: રાષ્ટ્રીય ગૌરવ અને શહીદોના બલિદાનનો પર્વ
ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર એટલે 15મી ઓગસ્ટ. આ એ દિવસ છે જ્યારે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી. ઈ.સ. 1947 પહેલાં આપણો દેશ પરાધીન હતો, જેના કારણે ભારતીય જનતાએ અનેક કષ્ટો સહન કરવા પડ્યા હતા. આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ અનેક આંદોલનો થયા, જેમાં હજારો દેશભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આખરે 15મી ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો, અને ત્યારથી દર વર્ષે આ દિવસને ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
દેશભરમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો
આ દિવસે સવારે શાળાઓ, સરકારી અને જાહેર સંસ્થાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. ત્યારબાદ, મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ઘણાં શહેરો અને ગામોમાં પ્રભાતફેરીઓ પણ કાઢવામાં આવે છે, જેમાં બાળકો અને નાગરિકો દેશભક્તિનાં ગીતો ગાઈને દેશપ્રેમનો સંદેશ ફેલાવે છે.
લાલ કિલ્લા પર મુખ્ય ઉજવણી અને શહીદોને શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને તેઓ રાષ્ટ્રને સંબોધિત કરે છે. આ પ્રસંગે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. રેડિયો અને ટેલિવિઝન પર આખો દિવસ દેશભક્તિના ગીતો, નાટકો અને વિવિધ કાર્યક્રમો પ્રસારિત થાય છે. આ ઉપરાંત, સાંજે સમગ્ર દેશમાં વિવિધ ઇમારતો પર રોશની કરવામાં આવે છે, જે આઝાદીના ઉલ્લાસને પ્રગટ કરે છે. આ દિવસ આપણને આપણા શહીદોના બલિદાન અને સ્વતંત્રતાના મૂલ્યોની યાદ અપાવે છે.