Remedies For Constipation: કબજિયાતનો કાળ છે કિચનમાં રહેલા આ મસાલા, આ રીતે ઉપયોગ કરવાથી પેટની દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ

પેટ સાફ કરવા માટે એલોપેથી દવાઓ ગળતા પહેલા તમારે કેટલાક ઘરગથ્થુ કુદરતી ઉપાયો અજમાવવા જોઈએ, જે તમને કોઈ આડઅસર વિના મદદરૂપ થઈ શકે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 05 Aug 2025 05:05 PM (IST)Updated: Tue 05 Aug 2025 05:05 PM (IST)
remedies-for-constipation-indian-spices-for-stomach-health-579856
HIGHLIGHTS
  • જે વ્યક્તિનું પેટ સાફ રહે, તે સ્વસ્થ રહે છે
  • જંકફૂડ અને તીખુ-તળેલું ભોજન પાચન ક્રિયાને બગાડે છે

Remedies For Constipation | Stomach Health: આપણી ખાણી-પીણીની ખોટી આદતો તેમજ બેઠાડું જીવનશેલીના કારણે આજકાલ પેટની સમસ્યાઓ અનેકગણી વધી ગઈ છે. જે પૈકી કબજિયાત અર્થાત પેટ વ્યવસ્થિત સાફ ના થવું સૌથી સામાન્ય સમસ્યા છે.

જો પેટની ગંદકી બરાબર સાફ ના થાય, તો અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેમાં પેટમાં દુખાવો, એસિડિટી, ગેસ, અપચો અને બ્લોટિંગ જેવી બીમારી સૌથી સામાન્ય છે.

પેટ સાફ ના થવાના અનેક કારણો છે, જેમાં માત્ર અનહેલ્ધી ખોરાક જ નહીં અપૂરતી ઊંઘ, મોડી રાતે સુવુ અને મોડી રાતે ખાવા જેવી આદતો મુખ્ય છે. જો કે રાહતની વાત એ છે કે, આપણા રસોડામાં એવા કેટલાક મસાલા હાજર છે, જે પેટ સબંધિત ગંભીર સમસ્યામાંથી આપણને મુક્તિ અપાવી શકે છે. પેટ સાફ કરવા માટે એલોપેથી દવાઓ ગળતા પહેલા તમારે કેટલાક ઘરગથ્થુ કુદરતી ઉપાયો અજમાવવા જોઈએ, જે તમને કોઈ આડઅસર વિના મદદરૂપ થઈ શકે છે.

તો ચાલો જાણીએ કેટલાક એવા મસાલા અને તેના ઉપયોગ કરવાની રીત, જે તમારું પેટ સાફ કરવામાં મદદ કરશે

અજમો: અજમામાં થાયમોલ નામનું તત્ત્વ હોય છે, જે પાચન એન્જાઈમ્સને એક્ટિવ કરે છે. જે ગેસ, એસિડિટી અને અપચો દૂર કરવામાં ખૂબ અસરકારક છે. જેનાથી પેટની ગંદકી ધીમે ધીમે સાફ થાય છે અને પાચન તંત્ર મજબૂત બને છે.

આ માટે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં બરાબર ઉકાળો. જે બાદ તેને ગાળીને હૂંફાળું થાય ત્યારે પી જાવ. આ સિવાય તમે જમ્યા બાદ થોડો અજમો ચાવીને પણ ખાઈ શકો છો.

વરિયાળી: વરિયાળીમાં એન્ટી ઑકિસડન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે પાચનને સુધારે છે અને પેટના સોજા તથા ગેસને ઓછા કરવાનું કામ કરે છે. જેના પરિણામે કબજિયાત અને અપચામાં રાહત મળે છે. આ સાથે જ પેટની સફાઈ પણ થાય છે.

આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને 10 મિનિટ સુધી પલાળી રાખો. આ પાણીને દિવસમાં 2-2 વાર પીવો. આ સિવાય જમ્યા બાદ તમે વરિયાણીને મુખવાસ તરીકે ચાવી શકો છો. જેનાથી પણ ફાયદો થશે.

હિંગ: હિંગમાં એન્ટી-માઈક્રોબિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. જે ગેસ, પેટમાં દુખાવો અને અપચા જેવી સમસ્યામાં આરામ આપે છે. હિંગથી આંતરડાની વ્યવસ્થિત સફાઈ થાય છે અને તે પેટમાં ઊંડ સુધી જઈને ગંદકી બહાર કાઢે છે.

આ માટે ચપટી હિંગને નવશેકા પાણીમાં ઓગાળીને સવારે ખાલી પેટ પી જાવ. આ સિવાય તમે દાળ-શાકના વઘારમાં પણ હિંગનો ઉપયોગ કરી શકો છે.

જો તમે પાચન સબંધિત કોઈ પણ સમસ્યાથી પીડાતા હોવ, તો તમારે અજમો, વરિયાળી અને હિંગને તમારી રોજિંદી ડાયટમાં સામેલ કરવા જોઈએ. જે તમારું પેટ વ્યવસ્થિત સાફ કરીને પાચન તો સુધારશે જ, પરંતુ આ સાથે જ તેનાથી તમને અન્ય અનેક ગંભીર બીમારીઓ થવાનો ખતરો ટળી જશે.