Bottle Gourd Benefits: દૂધી એક એવું લીલું શાક છે, જે તેના પોષક તત્વો માટે ખૂબ જ જાણીતું છે. ઘણાં લોકો દૂધીના સ્વાસ્થ્ય માટેના ફાયદા નથી જાણતા હોતા, જેના કારણે તેઓને આ આરોગ્યપ્રદ શાક ખાવાથી સુગ ચડતી હોય છે.
શાક માર્કેટમાં લાંબી અને ગોળ દૂધી મળી આવે છે, ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, સારા સ્વાસ્થ્ય માટે કંઈ દૂધી સારી? આ મામલે ગુડગાંવ સ્થિત ક્લાઉડ નાઈન ગ્રુપ ઑફ હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ સોનિયાકુમારીએ વિગતવાર જવાબ આપ્યો છે.
લાંબી કે ગોળ- કંઈ દૂધી સૌથી સારી?
એક્સપર્ટ અનુસાર, બન્ને દૂધી સમાન પોષક તત્વો ધરાવે છે. જેમ કે પાણી, ફાઈબર, વિટામિન સી અને કેટલાક જરૂરી મીનરલ્સ. આથી તમે જે દૂધી ખાવ, તેનાથી તમારા સ્વાસ્થ્યને ચોક્કસ ફાયદો થશે. બન્નેના આકાર અલગ હોવાનો અર્થ એવો નથી કે, તેના ફાયદા પણ અલગ હશે.
દૂધીના જાદુઈ ફાયદા
- દૂધી માત્ર હલકી અને સરળતાથી સુપાચ્ય શાકભાજી જ નથી, પરંતુ તે ઘણા જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર છે. તેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. આથી તે શરીરને ઠંડુ પાડે છે અને ડિહાઇડ્રેશન અટકાવે છે.
- દૂધીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. જેના કારણે તે વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ફાઇબર હોય છે, જે પાચનને મજબૂત બનાવે છે અને કબજિયાતથી રાહત આપે છે.
- દૂધીમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં બી કોમ્પ્લેક્સ હોય છે, જે શરીરને ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ હોય છે, જે બીપીને નિયંત્રિત કરે છે. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે.
- દૂધીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે બ્લડ સુગરમાં અચાનક વધારો કરતું નથી. ડાયાબિટીસથી પીડિત લોકો તેને શાકભાજી અથવા રસના રૂપમાં ખાય છે.