76th Republic Day 2025: ભારતમાં 26 જાન્યુઆરી 2025ના રોજ 76મા પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) ની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય પરેડનું આયોજન થાય છે, જે રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી ચાલે છે. પરેડમાં ભારતીય સેના, વિવિધ રાજ્યોના ઝાંખી કાર્યક્રમો અને સંસ્કૃતિક પ્રદર્શનો જોવા મળે છે.
ઈતિહાસ પર નજર કરીએ તો, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, જે દેશમાં લોકશાહી અને ન્યાયસંગત વ્યવસ્થાને મજબૂત બનાવે છે. આ દિવસ આપણને બંધારણના મહત્વ અને આપણા અધિકારો તેમજ ફરજોની યાદ અપાવે છે, સાથે જ દેશભક્તિના ભાવને વધારે છે.
ઘણા લોકો મૂંઝવણમાં છે કે આ વર્ષે 76મો કે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાશે? ત્યારે આ આર્ટિકલમાં જાણો આ પ્રશ્નનો સાચો જવાબ. આ સાથે જ જાણો 2025 ના પ્રજાસત્તાક દિવસની થીમ .
વર્ષ 2025માં 76મો કે 77મો કયો પ્રજાસત્તાક દિવસ હશે?
ભારતને 15 ઑગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી મુક્તિ મળી હતી, જે દેશ દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. જો કે, આઝાદી પછી પણ ભારત પ્રજાસત્તાક નહીં પરંતુ કોમનવેલ્થ દેશ હતું. ત્યારબાદ, 26 નવેમ્બર 1949ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં બે વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં ભારતીય બંધારણ તૈયાર થયું અને રાષ્ટ્રને સમર્પિત થયું. જો કે, 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત થયું. તેથી, 2025માં ભારત પોતાનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે.
2025 ના પ્રજાસત્તાક દિવસની થીમ
દર વર્ષે ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ માટે એક વિશિષ્ટ થીમ નિર્ધારિત કરે છે. 2025ની થીમ 'સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ' છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપે છે અને નવી સિદ્ધિઓની ઉજવણી કરે છે.