WHO on Turkey-Syria Earthquake. તુર્કી, સીરિયા, ઇઝરાયેલ અને લેબેનોનમાં જોરદાર ભૂકંપ તબાહી મચાવી રહ્યો છે. તુર્કીમાં 10 કલાકમાં ભૂકંપના ત્રણ આંચકાએ ભારે તબાહી મચાવી છે. આવી જ સ્થિતિ સીરિયામાં પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 20 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
WHOનો દાવો
આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મોટો દાવો કર્યો છે. WHOનું કહેવું છે કે, મૃત્યુનો આ આંકડો આઠ ગણો વધી શકે છે. ઘાયલોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થશે. તમને જણાવી દઈએ કે, સોમવારે તુર્કીમાં 7.8, 7.6 અને 6.0ની તીવ્રતાના સતત ત્રણ વિનાશક ભૂકંપ આવ્યા હતા. તે જ સમયે, સીરિયા, ઇઝરાયેલ અને લેબેનોનમાં પણ જોરદાર આંચકા અનુભવાયા હતા.

WHOએ બીજું શું કહ્યું?
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું, 'ભૂકંપના મામલામાં આપણે ઘણીવાર જોયું છે કે, શરૂઆતમાં મૃતકો અને ઘાયલોની સંખ્યા સમયની સાથે ઝડપથી વધી જાય છે.' આરોગ્ય સંસ્થાએ વધુ ભૂકંપના કારણે ઘરવિહોણા થયેલા લોકો માટે ચેતવણી પણ જારી કરી હતી. કહ્યું કે, ઠંડીના કારણે આવા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.
ભૂકંપના કારણે ચાર દેશોમાં ભારે તબાહી મચી ગઈ હતી
સોમવારે આવેલા ભૂકંપને કારણે તુર્કી અને સીરિયા સહિત ચાર દેશોમાં ભારે વિનાશ સર્જાયો હતો. છેલ્લા દિવસમાં ત્રણ વખત અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. સેંકડો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે અને ઘણા લાપતા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ તુર્કી અને સીરિયામાં ઓછામાં ઓછા 4000 લોકો માર્યા ગયા છે અને 20,000થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશના વાઇસ પ્રેસિડેન્ટ ફિયાટ ઓકટેને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, 10 શહેરોમાં 1,700 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. તે જ સમયે, સીરિયામાં ઓછામાં ઓછા 783 લોકો માર્યા ગયા અને 639 ઘાયલ થયા. ઈઝરાયલ અને લેબનોનમાં પણ અનેક મોતની આશંકા સેવાઈ રહી છે.















