US Tariff India: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હાલ તણાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નવારોએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે ભારત પર લાગેલા અમેરિકી ટેરિફને ઘટાડવા માટેનો માર્ગ દર્શાવ્યો છે. તેમણે સૂચવ્યું કે જો ભારત રશિયન તેલની ખરીદી બંધ કરી દે તો ટેરિફમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાએ ભારત પર લગાવેલો કુલ 50 ટકા ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે.
યુક્રેન યુદ્ધને પીએમ મોદીનું યુદ્ધ ગણાવ્યું
પીટર નવારોએ રશિયા-યુક્રેન યુદ્ધને "પીએમ મોદીનું યુદ્ધ" ગણાવ્યું છે. નવારોએ બ્લૂમબર્ગ ટેલિવિઝનના 'બેલેન્સ ઓફ પાવર' સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શાંતિનો માર્ગ અમુક અંશે નવી દિલ્હીમાંથી પસાર થાય છે. આને ઓછું કરવું અત્યંત સરળ છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દે, તો તેને તરત જ અમેરિકી ટેરિફમાં 25 ટકાની છૂટ મળી શકે છે. ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદી અમેરિકી કરદાતાઓ પર નાણાકીય બોજ વધારી રહી છે.
ભારતના વલણ પર વ્હાઈટ હાઉસ નારાજ
નવારોએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હું આશ્ચર્યચકિત છું, કારણ કે મોદી એક મહાન નેતા છે. આ એક પરિપક્વ લોકશાહી છે અને તેને પરિપક્વ લોકો ચલાવી રહ્યા છે. જોકે, તેમણે ટેરિફ પર ભારતના વલણ પર નિરાશા પણ વ્યક્ત કરી હતી. નવારોએ કહ્યું કે મને જે વાત પરેશાન કરે છે તે એ છે કે ભારતીયો આ વિશે ખૂબ અહંકારી છે.
ભારતથી અમેરિકાના અર્થતંત્રને નુકસાન
રશિયન તેલને છૂટ પર ખરીદીને રશિયા તેમાંથી મળતા પૈસાનો ઉપયોગ તેની યુદ્ધ મશીનો ચલાવવા અને વધુ યુક્રેનિયનોને મારવા માટે કરે છે. ભારત જે કરી રહ્યું છે, તેનાથી અમેરિકામાં દરેક જણ નુકસાન ઉઠાવી રહ્યું છે. આની અસર અમેરિકી અર્થતંત્ર પર પડે છે અને દરેક ક્ષેત્ર પ્રભાવિત થઈ રહ્યું છે, કારણ કે ભારતના ઊંચા ટેરિફને કારણે અમારી નોકરીઓ, કારખાનાઓ, આવક અને ઊંચા પગાર ખતમ થઈ રહ્યા છે.
નવારોએ કહ્યું કે ભારત અમને માલ વેચીને જે પૈસા કમાય છે, તેનાથી તે રશિયન તેલ ખરીદે છે. રશિયનો આ પૈસાનો ઉપયોગ વધુ હથિયારો બનાવવા અને યુક્રેનિયનોને મારવા માટે કરે છે, તેથી અમેરિકી કરદાતાઓને યુક્રેનિયનોને લશ્કરી રીતે વધુ મદદ આપવી પડે છે. આ તો પાગલપણું છે.