India US Trade: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને ટેરિફને લઈને તણાવ વધી રહ્યો છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને હવે સ્વીકારી લીધું છે કે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવીને નિર્ણયો લેનારો દેશ નથી.
વેપારી વાટાઘાટો પર ભારતને લઈને શું કહ્યું
અમેરિકાના નાણા મંત્રી (ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેસેન્ટે ભારતના વલણથી પરેશાન થઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ભારત અમેરિકા સાથેની વેપાર વાટાઘાટોમાં 'થોડું અડિયલ' વલણ દાખવી રહ્યું છે. સ્કોટ બેસેન્ટે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેમને ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડીલ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
ભારત થોડું અડિયલ રહ્યું...
સ્કોટ બેસેન્ટે સ્પષ્ટ કર્યું કે આ થોડું મુશ્કેલ લક્ષ્ય છે. પરંતુ અમે સારી સ્થિતિમાં છીએ. જે મોટા વ્યાપારિક સોદાઓ પર હજુ સુધી સહમતિ નથી બની, તેમાં સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતનો સમાવેશ થાય છે. ભારત થોડું અડિયલ રહ્યું છે. અમેરિકાના આ નિવેદનથી એ વાત સાબિત થાય છે કે ભારતીય કૂટનીતિ સમક્ષ ટ્રમ્પ સરકારની ચતુરાઈ ઓછી પડી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ લાદવામાં આવેલા ટેરિફમાંથી 25 ટકા ટેરિફ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે લાદવામાં આવ્યો છે અને આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.