Donald Trump Tariff: અમેરિકાએ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવાની યોજનાની જાહેરાત કરી છે. અમેરિકી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ અંગે ડ્રાફ્ટ નોટિસ જારી કરી છે. આ વધારાનો ટેરિફ 27 ઑગસ્ટ, 2025 ના રોજ સવારે 12:01 વાગ્યા આયાત કરાયેલા ભારતીય ઉત્પાદનો પર લાગુ પડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ટેરિફને 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી.
કેમ લગાવાયો ભારત પર વધારાનો ટેરિફ
50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત રશિયા-યુક્રેન શાંતિ વાર્તા વચ્ચે લેવામાં આવી છે. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા દબાણ લાવવાનો છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવામાં આવી રહ્યું છે, જે આ ટેરિફ પાછળનું એક કારણ છે.
જોકે ભારતીય સરકારે આને અન્યાયી ગૌણ ટેરિફ ગણાવ્યા છે. વિદેશમંત્રી એસ જયશંકરે ભારતના ઊર્જા વિકલ્પોનો બચાવ કરતા કહ્યું કે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે નિશાન બનાવાય છે, જ્યારે ચીન અને યુરોપિયન દેશો જેવા મોટા આયાતકારો પર આવી કોઈ ટીકા નથી. તેમણે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પર ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું કે દેશ પોતાના હિતો સાથે કોઈ સમાધાન કરશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટેરિફ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે અમદાવાદમાં જણાવ્યું કે મોદી માટે ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિત સર્વોપરી છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરી સંદેશ આપ્યો કે ભારત પોતાના હિતોના રક્ષણ માટે કોઈ દબાણ સામે ઝૂકશે નહીં.