Mahisagar News: મહીસાગર જિલ્લામાં આવેલા રાજ્યના ત્રીજા ક્રમના કડાણા ડેમમાં ઉપરવાસના વિસ્તારોમાં પડેલા સતત વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા નજીક આવેલા કડાણા જળાશયની સ્થિતિને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં જળાશયના પાંચ દરવાજા 0.9 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે 9 વાગ્યે પાણીની આવક ઘટતા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.
હાલ ડેમના દરવાજા બંધ છે તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ત્રણ જિલ્લાના 165 થી વધુ મહી નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ કરવમાં આવ્યા છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીથી મહીસાગર નદી બે કાંઠે છલકાઈ રહી છે. સુરક્ષાના હેતુસર મહીસાગરના 106, પંચમહાલના 18 અને વડોદરાના 39 ગામોને એલર્ટ જાહેર કરી તંત્રએ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધતો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. મહીસાગર નદી પર આવેલા ડૂબક પુલ પર મહીસાગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જિલ્લા તંત્રએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે નદીકાંઠાના વિસ્તારોમાં રહેનાર લોકોએ જરૂરી હોય તો સુરક્ષિત સ્થાને ખસેડાઈ જવું જોઈએ. તેમજ માછીમારો અને ખેડૂતોને પણ નદીના પ્રવાહથી દૂર રહેવા સૂચના અપાઈ છે. વરસાદનું પ્રમાણ હજુ યથાવત હોવાથી પાણીની આવકમાં વધુ વધારો થઈ શકે છે, તેવું તંત્રએ જણાવ્યું છે.
આ પણ વાંચો
ડેમની વર્તમાન સ્થિતિ
- ફુલ રિઝર્વોયર લેવલ (F.R.L.): 127.71 મીટર
- હાલનું લેવલ: 126.44 મીટર
- દરવાજાની અગાઉની સ્થિતિ: 5 (0.9 મીટર)
- દરવાજાની હાલની સ્થિતિ: 0 (બંધ)
- પાણીની આવક (ઇનફ્લો): 70120 ક્યુસેક
- પાણીનો નિકાલ (આઉટફ્લો): 20400 ક્યુસેક