Ganesh Chaturthi 2025 Vadodara: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર રાત્રે લગભગ 3 વાગ્યાના સમયે મદાર માર્કેટ નજીક અજાણ્યા અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ શાંતિપ્રિય શહેરમાં તંગદિલીનું વાતાવરણ સર્જી દીધું છે અને શહેરના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.
વડોદરા, જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને જ્યાં ગણેશોત્સવ તેમજ નવરાત્રી જેવા તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવાય છે, ત્યાં આવી હરકતને સ્થાનિક દંડક શૈલેષ પાટીલએ 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આવા કૃત્ય વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે. પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં.

ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસએ મુદ્દાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. તપાસ માટે એસીપી, ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો કાર્યરત બની ગઈ છે. પોલીસએ રાત્રે જ ચાર વાગ્યે ઝડપી પગલાં લઈ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.
મહાનગર પાલિકાના દંડક શૈલેષ પાટીલએ પોલીસની ઝડપી કાર્યવાહી માટે પ્રશંસા કરતાં કહ્યું કે, રાત્રે જ પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે પહોંચી તપાસ શરૂ કરી છે. આવા અસામાજિક કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વડોદરા શહેરની સંસ્કૃતિ અને શાંતિ જાળવવા માટે અમે તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવતા રહીશું.

આ ઘટનાને પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિ જાળવવા અપીલ કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને પોલીસ આશા વ્યક્ત કરી રહી છે કે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.