Mehsana News: મહેસાણા જિલ્લાના બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગતરાત્રે એક દર્દીના પિતાએ હોસ્પિટલના સ્ટાફ સાથે હંગામો મચાવ્યો હતો. પોતાના પુત્રની સારવારથી અસંતુષ્ટ આ વ્યક્તિએ ફરજ પર હાજર નર્સને લાફો માર્યો અને અન્ય કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર મામલે બેચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ઉમંગ આસોડિયા નામના એક યુવકને બેભાન અવસ્થામાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટર અને નર્સે તાત્કાલિક સારવાર શરૂ કરી, પરંતુ દર્દીની સ્થિતિમાં સુધારો ન જણાતા ડોક્ટર નિલેશે 108 એમ્બ્યુલન્સને જાણ કરી. આ દરમિયાન દર્દીના પિતા, નિલેશ આસોડિયા, ઉશ્કેરાઈ ગયા અને મોબાઈલમાં વિડીયો ઉતારતા સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા લાગ્યા. તેમણે વારંવાર પૂછ્યું, મારા છોકરાને શું તકલીફ છે? બાટલો કેમ ચડાવો છો?
દર્દીના પિતાએ ઉગ્ર સ્વભાવમાં ટેબલ પર હાથ પછાડીને હોબાળો મચાવ્યો અને બાજુમાં ઊભેલા કર્મચારીને પણ ધમકી આપી. ત્યારબાદ, તેઓ ફરજ પર હાજર નર્સ પાસે ગયા અને ગાળો ભાંડીને તેમને લાફો મારી દીધો. જ્યારે હોસ્પિટલના એકાઉન્ટન્ટ બાબુભાઈ વચ્ચે પડીને તેમને છોડાવવા ગયા, ત્યારે તેમને પણ ધક્કા મારીને ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. 108 એમ્બ્યુલન્સ આવતા જ નિલેશ આસોડિયા પોતાના પુત્રને લઈ હોસ્પિટલમાંથી નીકળી ગયા. આ સમગ્ર ઘટના બાદ એકાઉન્ટન્ટ બાબુભાઈ દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશનમાં નિલેશ આસોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.