Russia Sea Drone Attack: યુક્રેનનું સૌથી મોટું યુદ્ધ જહાજ તબાહ, રશિયાએ દરિયાઈ ડ્રોનથી પહેલીવાર કર્યો હુમલો

યુક્રેનના સૌથી મોટા યુદ્ધ જહાજ સિમ્ફરોપોલ પર રશિયાએ પહેલીવાર દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કર્યો છે. હુમલામાં એક ક્રુ મેમ્બરનું મોત થયું છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 29 Aug 2025 05:06 PM (IST)Updated: Fri 29 Aug 2025 05:06 PM (IST)
russia-first-sea-drone-attack-hit-and-sunk-ukraine-largest-ship-simferopol-in-odessa-593766

Russia Ukraine Ship Sea Drone Attack: રશિયાએ પહેલીવાર દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનના સૌથી મોટા યુદ્ધ જહાજ સિમ્ફરોપોલ પર હુમલો કર્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનિયન નેવીના આ સૌથી મોટા જહાજને નિશાન બનાવ્યું હતું. યુક્રેનિયન અધિકારીઓએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.

દરિયાઈ ડ્રોનથી હુમલામાં એક ક્રુ મેમ્બરનું મોત

રશિયન રક્ષા મંત્રાલયના અહેવાલ મુજબ આ હુમલો ડેન્યુબ નદીના ડેલ્ટા ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો, જેનો એક ભાગ યુક્રેનના ઓડેસા ક્ષેત્રમાં આવે છે અને આ હુમલો સંપૂર્ણ સચોટ રહ્યો. કીવ ઇન્ડિપેન્ડન્ટે યુક્રેન નેવીના પ્રવક્તાને ટાંકીને લખ્યું છે કે હુમલામાં એક ક્રુ મેમ્બરનું મોત થયું છે અને ઘણા અન્ય ઘાયલ થયા છે. મોટાભાગના ક્રુ સભ્યો સુરક્ષિત છે, પરંતુ ગુમ થયેલા કેટલાક નાવિકોની શોધ હજુ પણ ચાલી રહી છે.

ક્યારે લોન્ચ કરાયું હતું જહાજ

સિમ્ફરોપોલ એ લાગુના-ક્લાસનું મધ્યમ કદનું જાસૂસી જહાજ હતું, જેને રેડિયો, ઇલેક્ટ્રોનિક, રડાર અને ઓપ્ટિકલ સર્વેલન્સ માટે ડિઝાઇન કરાયું હતું. આ જહાજ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ પછી યુક્રેનિયન નેવીમાં સામેલ થયું હતું.

પહેલીવાર દરિયાઈ ડ્રોનથી હુમલો

નિષ્ણાતોનું માનવું છે કે દરિયાઈ ડ્રોનના ઉપયોગથી યુદ્ધનો એક નવો રસ્તો ખુલ્યો છે. રશિયન ટેલિગ્રામ ચેનલ WarGonzo એ અહેવાલ આપ્યો છે કે આ જહાજને યુક્રેનિયન નેવીની દરિયાઈ તાકાતનું પ્રતીક માનવામાં આવતું હતું, તેને હવે ડ્રોન ટેક્નોલોજીથી તબાહ કરી દેવાયું છે. આ હુમલો એક કેસ સ્ટડી બની ગયો છે કારણ કે અત્યાર સુધી હવાઈ યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ થતો હતો, પરંતુ દરિયાઈ ડ્રોને દુનિયાના મોંઘા જહાજોને ખતરામાં મૂકી દીધા છે.