Donald Trump Joe Biden: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન પર ફરી એકવાર ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે જો બાઈડનનો યુક્રેનને રશિયા પર જવાબી હુમલો ન કરવા દેવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ, અયોગ્ય અને અક્ષમ હતો. ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારેય યુદ્ધ થવા જ ન દેત. તેમણે સંકેત આપ્યો કે જો કોઈએ હુમલો કર્યો હોય તો જવાબી હુમલો કર્યા વિના યુદ્ધ જીતવું અત્યંત મુશ્કેલ છે.
ટ્રમ્પે યુદ્ધની સરખામણી રમત સાથે કરી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે હુમલાખોરને જવાબ આપ્યા વિના યુદ્ધ જીતવું ખૂબ મુશ્કેલ છે. તે અશક્ય નથી, પરંતુ મુશ્કેલ ચોક્કસ છે. તેમણે યુદ્ધની સરખામણી રમત સાથે કરતા કહ્યું કે રમતમાં પણ હુમલાખોર (Attacker) અને બચાવ કરનાર (Defender) હોય છે, પરંતુ આક્રમક રીતે રમત રમવાની મંજૂરી કોઈને હોતી નથી. જેમ રમતમાં કોઈના જીતવાની સંભાવના અંત સુધી રહેતી નથી, તેવી જ રીતે યુદ્ધ જીતવાની પણ કોઈ સંભાવના નથી. આ વાત યુક્રેન અને રશિયા બંને પર લાગુ પડશે. હાલ કહી શકાય તેમ નથી કે યુક્રેન જીતશે કે રશિયા.
પુતિન અને ઝેલેન્સકી સાથે ટ્રમ્પની મુલાકાત
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 15 ઓગસ્ટ, 2025 ના રોજ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે અલાસ્કામાં બેઠક થઈ હતી. ત્યારબાદ 18 ઓગસ્ટ, 2025 ના રોજ તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી. ઝેલેન્સકી સાથે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓ પણ આવ્યા હતા. પુતિન અને ઝેલેન્સકી બંને યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે, પરંતુ બંને એકબીજાની શરતો માનવા તૈયાર નથી. આ કારણે હજુ સુધી શાંતિ વાર્તા પર સહમતિ બની નથી.