US Tariffs on India News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ ભારત પર સતત હુમલો કરતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારત અને રશિયા વચ્ચેના તેલ વેપાર પર સવાલ ઉઠાવ્યા છે. નવારોએ ભારપૂર્વક જણાવ્યું કે રશિયા માટે ભારત 'ધોબીઘાટ'ની જેમ કામ કરી રહ્યું છે, જેનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
રશિયા પાસેથી સસ્તા દરે કાચું તેલ ખરીદે છે ભારત
પીટર નવારો અનુસાર ભારત રશિયા પાસેથી સસ્તા દરે કાચું તેલ ખરીદે છે, તેને રિફાઇન કરે છે અને પછી વૈશ્વિક બજારોમાં ઊંચા ભાવે વેચીને નફો મેળવે છે. આ પ્રક્રિયાથી રશિયાને પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી રાહત મળે છે અને વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે અને યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળે છે. આ સાથે જ ભારતને પણ આર્થિક લાભ થાય છે.
'ધોબીઘાટ' શબ્દનો અર્થ સામાન્ય રીતે કપડાં ધોવા અને સૂકવવા માટેની જગ્યા છે. જોકે અહીં તેનો અર્થ છે કે રશિયાના કાચા તેલના વેપારને 'શુદ્ધ' કરવાની એક પદ્ધતિ, જેના દ્વારા રશિયાને ભારતને તેલ વેચાણ કરવાથી પરોક્ષ રીતે આર્થિક ફાયદો થાય છે.
પીટર નવારોએ ભારતના ટેરિફને પણ અમેરિકા માટે નુકસાનકારક ગણાવ્યા છે, જેનાથી અમેરિકામાં મજૂરીની કિંમત વધી છે. અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે પણ ભારત સહિત રશિયા પાસેથી તેલ ખરીદનાર તમામ દેશોને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જેમાં 25 ટકા ટેરિફ ભારત-રશિયાના તેલ અને શસ્ત્રોના વેપાર પર દંડ તરીકે લગાવવામાં આવ્યો છે, જેને અમેરિકા યુક્રેન યુદ્ધ માટે રશિયાને ભંડોળ પૂરું પાડવા સમાન માને છે.