Trump Tariffs: અમેરિકાની એક સંઘીય અપીલ કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના ટેરિફ કાયદાને અનુરૂપ નથી અને કોર્ટે ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા છે. આ નિર્ણયથી ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય આર્થિક રણનીતિને મોટો ફટકો પડ્યો છે. જોકે કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની તક આપવા માટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી અમલમાં રહેવા દીધો છે.
કોર્ટનો નિર્ણય ખોટો - ડોનાલ્ડ ટ્રમ્પ
કોર્ટના નિર્ણય બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પુષ્ટિ કરી કે આ દેશો પર લાદવામાં આવેલા તમામ ટેરિફ અમલમાં રહેશે. ટ્રમ્પે કોર્ટના તાજેતરના નિર્ણયને ખોટો ગણાવ્યો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તમામ ટેરિફ હજુ પણ અમલમાં છે. આજે એક પક્ષપાતી અપીલ કોર્ટે ચુકાદો બહાર પાડ્યો છે કે આપણા ટેરિફ હટાવી દેવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની જ જીત થશે.
તેમણે વધુમાં કહ્યું કે જો આ ટેરિફ હટાવી દેવામાં આવે તો તે દેશ માટે સંપૂર્ણપણે વિનાશકારી હશે. આ આપણને આર્થિક રીતે નબળા બનાવશે, આપણે મજબૂત રહેવું પડશે.
ટેરિફ ટ્રમ્પની અંગત દુશ્મનાવટનું પરિણામ
ટ્રમ્પે પહેલા ભારત પર 25 ટકાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જે 7 ઓગસ્ટે લાગુ થયો હતો. ત્યારબાદ લગભગ 70 અન્ય દેશો પર પણ ટેરિફ લાગુ થઈ ગયા. 7 ઓગસ્ટે, અમેરિકી રાષ્ટ્રપતિએ ભારત દ્વારા રશિયન ક્રૂડ તેલની ખરીદીને કારણે ભારતીય વસ્તુઓ પરના ટેરિફને બમણા કરીને 50 ટકા કરવાની જાહેરાત કરી. અમેરિકી દિગ્ગજ રોકાણ કંપની જેફરીઝે દાવો કર્યો છે કે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ટ્રમ્પની અંગત દુશ્મનાવટનું પરિણામ છે, જે અમેરિકાના રાષ્ટ્રીય હિતો માટે ઘાતક છે.