Rajkot: શહેરના નાગેશ્વર નજીક આવેલા એપાર્ટમેન્ટના પાચમા માળેથી મોતની છલાંગ લગાવી આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવાન આઇટી એન્જીનીયરનો અભ્યાસ કરેલો હોય તેમને નોકરી ન મળતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ.
રાજકોટ શહેરનાં જામનગર રોડ પર નાગેશ્વરમાં પટેલ ચોક વાળી શેરીમાં આવેલા બે એપાર્ટમેન્ટની વચ્ચે આવેલી શેરીમાં રહેતા રોનિલ મુકુલભાઇ વાલંભીયા નામનાં 27 વર્ષનાં યુવાને એપાર્ટમેન્ટનાં પાચમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે 108 ને જાણ કરતા 108 નાં તબીબ પુનમબેન પુરોહીતે રોનીલને મૃત જાહેર કર્યો હતો. જે બાદ રોનિલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ પી. જી. ગોહિલ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ત્યાં પહોચી પરિવારજનોની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, રોનિલ પરિવારમાં એકનો એક પુત્ર હતો. રોનિલે આઇટી એન્જીનિયર સુધીનો અભ્યાસ કરેલો હતો. તેમને અભ્યાસ કર્યા બાદ નોકરી ન મળતા છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતો હતો. ગઇકાલે સાંજનાં સમયે ઘરેથી નીકળ્યા બાદ તેમણે આ પગલુ ભરી લીધુ હતુ. એકનાં એક મોતથી વાલંભીયા પરીવારમા શોક છવાઇ ગયો છે.