Sabarkantha | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો-પ્રશર, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ ત્રણેય સિસ્ટમો એકસાથે સક્રિય થવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ આજે દિવસભર આરામ ફરમાવ્યો હતો અને સાંજ પડતા ફરીથી વરસવાનું શરૂ કર્યું છે.
હકીકતમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગઈકાલે મોડી રાતે સતત અઢીથી ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા ભાગોમાં આવેલી સોસાયટીમાં તો સવારે લોકો ઉઠ્યા, ત્યારે કૉમન પ્લોટમાં પડેલી પોતાની કારને અડધી ડૂબેલી જોઈને ચોંકી ઉઠ્યા હતા. ભારે વરસાદની મોટી સંખ્યામાં વાહનોને નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો
ગઈકાલ રાત બાદ આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હતો. જો કે બપોરે 4 વાગ્યાની આસપાસ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 46 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધુ 51 મિ.મી (2 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય અરવલ્લીના ભીલોડામાં 50 મિ.મી (1.9 ઈંચ), ભરૂચના ઝઘડિયામાં 49 મિ.મી (1.9 ઈંચ), નેત્રંગમાં 40 મિ.મી (1.5 ઈંચ), સાબરકાંઠાના ઈડરમાં 40 મિ.મી (1.5 ઈંચ) અને વડાલીમાં 26 મિ.મી (1 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે.
આજે આખા દિવસ દરમિયાન 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન રાજ્યના 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 250 મિ.મી (9.8 ઈંચ) , આણંદના ઉમરેઠમાં 120 મિ.મી (4.7 ઈંચ) વરસાદ વરસ્યો છે. આમ આખા દિવસ દરમિયાન 29 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ,7 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 5 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.