Vadodara: બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા વિશે કરેલી અશોભનીય ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મામલે વડોદરા શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને કડક વિરોધ નોંધાવ્યો હતો.
આ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા 11 વર્ષમાં 50થી વધુ ચૂંટણીઓમાં હારી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું છે અને નિરાશામાં આવીને તેઓ વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે શરમજનક અને નિંદનીય છે.
આ પણ વાંચો
વધુમાં તેમણે આરોપ મૂક્યો કે, રાહુલ ગાંધી વિદેશી ગતકડાંનો સહારો લઈને ‘વોટ ચોરી’ જેવા નેરેટિવ ફેલાવી રહ્યા છે, જેથી બિહાર અને બંગાળમાં તેમના સહયોગીઓના શાસનને બચાવી શકે.

ડો. જોશીએ રાહુલ ગાંધીના માનસિક સ્વાસ્થ્ય પર પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, જ્યારે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના આરોપો એફિડેવિટ સાથે સાબિત કરવા કહ્યું, ત્યારે તેઓ પાછળ હટ્યા. હું સોનિયા ગાંધીને વિનંતી કરું છું કે, તેઓ વડોદરાની કારેલીબાગ હોસ્પિટલમાં રાહુલનું માનસિક સ્ક્રીનિંગ કરાવે.
ભાજપે કોંગ્રેસ નેતાની ટિપ્પણીને માત્ર વડાપ્રધાનની નહીં, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન ગણાવ્યું છે. પક્ષના કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને RJD વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો અને માફી માગવાની માંગણી કરી છે. આ ઘટનાના પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપે ચેતવણી આપી છે કે, જો કોંગ્રેસના નેતાઓ આવી ભાષા પ્રયોગ બંધ નહીં કરે, તો સમગ્ર દેશમાં વધુ પ્રચંડ વિરોધ થશે.