Donald Trump Tariff: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયન તેલની આયાતને લઈને 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ હવે વધુ 'સેકન્ડરી સેક્શન' (ગૌણ પ્રતિબંધો) લગાવવાના સંકેત આપ્યા છે. આ પગલું સ્થાનિક સમય મુજબ 8 કલાક પહેલા જ જાહેર કરાયેલા 25 ટકા વધારાના ટેરિફ બાદ આવ્યું છે.
તમને હજુ ઘણું બધું જોવા મળશે...
ચીન જેવા અન્ય દેશો પણ રશિયન તેલની આયાત કરે છે, તેમ છતાં ભારત પર વધારાનો ટેરિફ શા માટે લગાવવામાં આવ્યો? તેના જવાબમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હજુ તો માત્ર 8 કલાક જ થયા છે. જોતા રહો આગળ શું થાય છે. તમને હજુ ઘણું બધું જોવા મળશે... તમને ઘણા સેકન્ડરી સેક્શન જોવા મળશે.
ટ્રમ્પે આ અંગે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે અમે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જે રશિયન તેલ ખરીદવામાં ચીન પછી બીજા સ્થાને છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતની જેમ ચીન પર પણ વધુ ટેરિફ લગાવવાના છે? ટ્રમ્પે જવાબ આપ્યો કે અમે ભારત સાથે કર્યું. ઘણા અન્ય દેશો પર પણ આ લાગુ કર્યું. તેમાં એક ચીન પણ હોઈ શકે છે.
ભારત પર 50 ટકા ટેરિફ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 30 જુલાઈના રોજ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 6 ઓગસ્ટના રોજ તેમણે વધુ 25 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી. આ પગલાથી ભારત પર કુલ ટેરિફ દર 50 ટકા સુધી પહોંચી જશે. પ્રથમ 25 ટકા ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થશે, જ્યારે નવો વધારાનો 25 ટકા ટેરિફ 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી પ્રભાવી થશે. આ રીતે ભારત પર કુલ 50 ટકા બેઝલાઇન ટેરિફ લાગુ થઈ જશે.
આ પહેલીવાર છે જ્યારે ટ્રમ્પે રશિયાના વ્યાપારી ભાગીદારો પર "સેકન્ડરી ટેરિફ" લગાવવાનું પગલું ભર્યું છે. જોકે, ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ પર તેમણે 90 દિવસનો પ્રતિબંધ મુક્યો છે.
ભારતે શું કહ્યું
ભારતે અમેરિકી નિર્ણયની સખત નિંદા કરતા તેને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ભારતની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે. ભારતે સ્પષ્ટ કર્યું કે તેની ક્રૂડ ઓઇલ આયાત બજાર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો છે. ભારતે એમ પણ કહ્યું કે વિશ્વના ઘણા દેશો આવા જ નિર્ણયો પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે, આવા સંજોગોમાં માત્ર ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને અન્યાયી પગલું છે.