US Visa: ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 5.5 કરોડથી વધુ લોકોના માન્ય અમેરિકી વિઝાની ફરી તપાસ કરવામાં આવશે. આ પગલું એ જાણવા માટે લેવામાં આવ્યું છે કે શું આ વિઝા ધારકો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે કે કેમ. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરતા જણાશે તો તેને દેશમાંથી કાઢી મુકવામાં આવશે.
કોના વિઝા રદ્દ કરાશે
અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે કે લોકોને અમેરિકામાં રહેવાની પરવાનગી આપતા વિઝા કોઈપણ સમયે રદ કરી શકાશે. જો તેઓ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી રહે છે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હશે, અમેરિકી સરકાર મુજબ જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરતા જણાશે અથવા કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ કે આતંકવાદી સંગઠનને સમર્થન આપતા જણાયા તો તેમના વિઝા રદ કરવામાં આવશે.
આ નિર્ણયની અસર વિદ્યાર્થીઓ અને વર્કર્સથી લઈને ફેમિલી વિઝા ધારકો સુધી અને પ્રવાસીઓ પર પડી શકે છે. વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અમે અમારી તપાસમાં તમામ ઉપલબ્ધ માહિતીની સમીક્ષા કરીએ છીએ, જેમાં કાનૂન અમલીકરણ અથવા ઇમિગ્રેશન રેકોર્ડ્સ અથવા વિઝા જારી થયા પછી જાણમાં આવતી અન્ય માહિતી પણ શામેલ છે.
અમેરિકન સરકાર બની સખ્ત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકા 2019 થી ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વિઝા ફોર્મમાં સોશિયલ મીડિયા ID માંગતું રહ્યું છે, પરંતુ હવે સરકાર વધુ કડક બની છે. તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, X (પહેલાં ટ્વિટર) જેવા એકાઉન્ટ્સ પરની કોઈપણ માહિતી વિઝા આપવા કે ન આપવાનું કારણ બની શકે છે. સરકાર એવા લોકોને રોકવા માંગે છે જેઓ અમેરિકાની સુરક્ષા માટે ખતરો બની શકે છે.