Trump Tariffs On: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ અંગે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા આવી છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે સરકાર ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEને વધુ મહત્વ આપશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે દ્વિપક્ષીય વેપાર અંગેના અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનની નોંધ લીધી છે. સરકાર તેના પરિણામોનો અભ્યાસ કરી રહી છે.
ભારત દ્વિપક્ષીય વેપાર કરાર માટે પ્રતિબદ્ધ
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી વાટાઘાટો કરી રહ્યા છે જેથી એક વાજબી, સંતુલિત અને પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય વેપાર કરાર પર પહોંચી શકાય. અમે આ ઉદ્દેશ્ય માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના કલ્યાણના રક્ષણ અને પ્રોત્સાહનને સૌથી વધુ મહત્વ આપે છે.
રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે પગલાં લેવામાં આવશે
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,સરકાર રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે, જેમ કે US સાથેના નવીનતમ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય વેપાર કરારોના કિસ્સામાં કરવામાં આવ્યું છે.