Canada PR: પહેલા મેડિકલ ટેસ્ટ કરાવો પછી મળશે કેનેડાના પીઆર, વિદેશી વર્કર્સ માટે નવા નિયમની જાહેરાત

IRCC અનુસાર જો કોઈ અરજદારના ઇલાજનો ખર્ચ કેનેડિયન નાગરિકના ઇલાજ પર થતા સરકારી ખર્ચ કરતાં ત્રણ ગણો વધારે હોય તો તેને PR માટે અયોગ્ય ગણવામાં આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 14 Aug 2025 01:07 PM (IST)Updated: Thu 14 Aug 2025 01:07 PM (IST)
canada-to-require-medical-exam-for-express-entry-pr-permanent-residency-applicants-585087

Canada PR Rules: ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ જાહેરાત કરી છે કે 21 ઓગસ્ટ, 2025 થી, એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા કેનેડામાં પરમેનેન્ટ રેસિડેન્સી (PR) માટે અરજી કરનારાઓએ અરજી જમા કરતા પહેલા મેડિકલ એક્ઝામ ટેસ્ટ આપવી પડશે. આ નિયમ ખાસ કરીને એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ્સ જેમ કે FSWP, FSTP અને CEC હેઠળ અરજી કરનારા વિદેશી વર્કર્સને લાગુ પડશે. 21 ઓગસ્ટ પહેલા સબમિટ કરાયેલી અરજીઓ પર આ નિયમ લાગુ નહીં પડે.

અરજી સબમિટ કરતા પહેલા મેડિકલ ટેસ્ટ ફરજિયાત

અરજદારો PR અરજી જમા કરાવ્યા પછી IRCC ના નિર્દેશ પર મેડિકલ ટેસ્ટ કરાવતા હતા. હવે નવા નિયમ મુજબ અરજી સબમિટ કરતા પહેલા જ મેડિકલ ટેસ્ટ ફરજિયાત છે. કેનેડા સરકાર આ શરત એટલા માટે રાખી રહી છે જેથી અરજદાર અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે કેનેડાની જાહેર આરોગ્ય સેવાઓ પર દબાણ ન આવે અને સરકારી ખર્ચ ન વધે.

IRCC અનુસાર જો કોઈ અરજદારના ઇલાજનો ખર્ચ કેનેડિયન નાગરિકના ઇલાજ પર થતા સરકારી ખર્ચ કરતાં ત્રણ ગણો વધારે હોય તો તેને PR માટે અયોગ્ય ગણવામાં આવશે. ચેપી રોગ ધરાવતા અરજદારોને PR આપવામાં આવશે નહીં, કારણ કે તેનાથી અન્ય લોકોના જીવનને જોખમ થઈ શકે છે.

કેવી રીતે કરાવવી મેડિકલ ટેસ્ટ

આ મેડિકલ ટેસ્ટ ફક્ત IRCC દ્વારા માન્ય ડોકટરો પાસેથી જ કરાવી શકાશે, જેમની યાદી IRCC વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ ટેસ્ટનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 140 થી 280 ડોલર હોય છે અને વધારાના ટેસ્ટ કે નિષ્ણાતની મુલાકાતનો ખર્ચ અરજદારે જ ભોગવવો પડે છે. ટેસ્ટમાં તબીબી ઇતિહાસની સમીક્ષા, સંપૂર્ણ શારીરિક તપાસ (હૃદય, ફેફસાં, આંખ વગેરે), છાતીનો એક્સ-રે, લોહી અને પેશાબની તપાસ, માનસિક સ્વાસ્થ્યની તપાસ અને રસીકરણ રેકોર્ડની ચકાસણી શામેલ છે. મેડિકલ ટેસ્ટ કરાવતી વખતે ચાર ફોટા, દવાઓની યાદી, મેડિકલ રિપોર્ટ અને રસીકરણનું પ્રમાણપત્ર સાથે રાખવું જરૂરી છે.