Valsad Accident: વલસાડમાં પારડીના તરમાલિયા ગામે બુધવારે રાત્રે એક કરૂણ ઘટના બની હતી. જેમાં ભેસુંખાડીના પુલ પરથી પસાર થઈ રહેલી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં શિક્ષક દંપતિ મહેશભાઈ પટેલ અને તનાશાબેન પટેલ અને તેમની 8 વર્ષની પુત્રી યશ્વી મુસાફરી કરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે પુલ પર પાણી ભરાયું હતું અને રેલિંગ ન હોવાથી કાર પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મહેશભાઈની પત્ની તનાશાબેન અને પુત્રી યશ્વીનું મૃત્યુ થયું છે, જ્યારે મહેશભાઈએ માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો.
મળતી માહિતી મુજબ, અકસ્માત પહેલાં મહેશભાઈએ તેમના પડોશી મહિલાને મદદ માટે છેલ્લો ફોન કર્યો હતો. આ 30 સેકન્ડની વાતચીતમાં મહેશભાઈએ કહ્યું હતું કે, કાર પાણીમાં ફસાઈ ગઈ છે, પાણી અંદર આવી ગયા છે, મુકેશને જલ્દી ફોન કરો અને મોકલાવો. સામેથી મહિલાએ ગભરાઈને ઓ..બાપ રે હું મુકેશને ફોન કરું છું એમ કહ્યું અને ફોન કટ થઈ ગયો. આ ફોન કોલ તેમની છેલ્લી આશા હતો, પરંતુ મદદ પહોંચે તે પહેલાં જ કાર પાણીમાં તણાઈ ગઈ હતી. મહેશભાઈ કારનો કાચ ખોલી બહાર નીકળી ગયા, પરંતુ તેમની પત્ની અને પુત્રી કાર સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા.
આ દુર્ઘટના બાદ તરત જ NDRF અને ચંદ્રપુર લાઈફ સેવર ટીમે ઘટના સ્થળે પહોંચીને રાતભર શોધખોળ હાથ ધરી હતી. અંધારા અને પાણીના પ્રવાહને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી હતી. ગુરુવારે સવારે આખરે તણાતી કાર મળી આવી, જેમાંથી શિક્ષિકા તનાશાબેન અને તેમની પુત્રી યશ્વીના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહેશભાઈએ પોતાના પરિવારને ગુમાવતા ભારે દુઃખ અનુભવી રહ્યા છે.