Vadodara News: વડોદરાની વિશ્વામિત્રીના ફરી વધશે જળસ્તર, આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 28 Jul 2024 12:58 PM (IST)Updated: Sun 28 Jul 2024 12:58 PM (IST)
vadodara-news-water-released-from-ajwa-sarovar-into-the-vishwamitri-370764

Vadodara News: ઉપરવાસમાં પડેલા વરસાદ અને વડોદરામાં થયેલા ધોધમાર વરસાદના કારણે આજવા સરોવરની જળ સપાટી વધી હતી. જેના કારણે આજવામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ નદીના જળ સ્તરમાં ઘટાડો થતાં વડોદરાવાસીઓએ રાહત અનુભવી હતી એ વચ્ચે ફરી એકવાર આજવાના 62 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે વિશ્વામિત્રીનું જળ સ્તર વધવાની શક્યતાને પગલે નદી કાંઠાના વિસ્તારમાં રહેતા રહેવાસીઓના જીવ પડીકે બંધાયા છે.

આજવા સરોવરની જળ સપાટી 212.50 ફૂટે પહોંચતા ફરી એકવાર વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા આજવાના 62 દરવાજા ખોલી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરોવરમાંથી નદીમાં 4200 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ વિશ્વામિત્રીની જળ સપાટી 16 ફૂટે છે. ત્યારે હવે ફરી પાણી છોડવામાં આવતા વિશ્વિમિત્રીના જળ સ્તરમાં ફરી વધારો થઇ શકે છે.

એક તરફ વિશ્વામિત્રીમાં પાણી છોડાતા અને હવામાન વિભાગ દ્વારા ભાર વરસાદની આગાહી કરવામાં આવતા વડોદરાવાસીઓના જીવ અદ્ધર થયા છે. થોડાં દિવસો પહેલાં ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને નદી ભયજનક સપાટીએ પહોંચી હતી. નદીના વહેણ કાંઠી વિસ્તારમાં ફરી વળ્યા હતા. હજી પણ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી.

મહત્વનું છે કે, આજવા સરોવરથી જયારે પાણી છોડવામાં આવે છે ત્યારે તેના પાણી વિશ્વામિત્રી નદી સુધી ચાર કલાકે પહોંચે છે. જેથી નદીની જળસપાટી 28 સુધી પહોંચવાની સંભાવના છે. જયારે નદીની 26 ફૂટ ભયજનક સપાટી છે. એટલેકે ફરીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે તેવી સંભાવના છે.