Mumbai-Ahmedabad Bullet Train Project: વડોદરા નજીક વિશ્વામિત્રી નદી પર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 80 મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્માણ થનારા 21 નદી પુલોમાંથી આ 17મો પુલ છે. આ પુલની ખાસિયત એ છે કે તે 80 મીટર લાંબો છે અને તેને SBS પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે. તેના પિલર 26થી 29.5 મીટર ઊંચા છે. 80 મીટર લાંબો આ પુલ વડોદરા-સુરત રેલ્વે લાઇન પાસે આવેલો છે. આ પુલમાં ત્રણ પિલર છે, જેમાંથી એક નદીની વચ્ચે છે અને બાકીના બે નદી કિનારે છે.
વડોદરામાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધા
વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતો આ પુલ એક મહત્વપૂર્ણ માળખાગત સુવિધા છે. વડોદરા એક વ્યસ્ત શહેર હોવાથી અહીં પુલ બનાવવાનું કામ આયોજન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન માંગી લે તેવું હતું. બુલેટ ટ્રેનનો રૂટ વડોદરાની આસપાસ વિશ્વામિત્રી નદીને 9 અલગ-અલગ જગ્યાએથી ઓળંગે છે. મુખ્ય નદી પુલ ઉપરાંત, બાકીના આઠમાંથી ત્રણ પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અન્ય જગ્યાએ કામ ચાલી રહ્યું છે.

પુલની વિશેષતાઓ
- લંબાઈ: 80 મીટર
- 40 મીટરના બે ગાળા (Span) છે, જે SBS (Span by Span) પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે.
- પિલરની ઊંચાઈ: 26 થી 29.5 મીટર
- 5.5 મીટરના વ્યાસવાળા ત્રણ ગોળાકાર પિલર
- દરેક પિલર 1.8 મીટરના વ્યાસવાળા અને 53 મીટર સુધીની લંબાઈના 12 પાઈલ પર મૂકવામાં આવ્યા છે.
- આ નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3 કિમી દૂર છે.
- વડોદરા જિલ્લામાં ધાધર નદી પર પણ 120 મીટરનો પુલ બનાવવામાં આવ્યો છે.

એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના પુલ
એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના પુલ છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલમાંથી, અહીં જણાવેલી નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચુક્યા છે: પાર (વલસાડ જીલ્લો), પુર્ણા (નવસારી જીલ્લો), મીંઢોળા (નવસારી જીલ્લો), અંબિકા (નવસારી જીલ્લો), ઔરંગ (વલસાડ જીલ્લો), વેંગણિયા (નવસારી જીલ્લો), મોહર (ખેડા જીલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જીલ્લો), કાવેરી (નવસારી જીલ્લો), ખરેરા (નવસારી જીલ્લો), મેશ્વ (ખેડા જીલ્લો), કીમ (સુરત જીલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જીલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જીલ્લો).