Vadodara: વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં કરજણ તાલુકાના સાંસરોદ ગામ નજીક ઢાબાના પાર્કિંગમાંથી કન્ટેનરમાં છુપાવેલો 42.96 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ઇલેક્ટ્રિક સામાનની આડમાં લવાયેલો આ જથ્થો ઝડપી પોલીસે કુલ રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
SMCની ટીમને બાતમી મળી હતી કે, સેલવાસથી વડોદરા માટે વિદેશી દારૂ ભરેલું આઇશર કન્ટેનર આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન સાંસરોદ નજીક ઢાબાના પાર્કિંગમાંથી શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું હતું. જેની તપાસ કરતા કન્ટેનરમાં વિવિધ બ્રાન્ડના દારૂના 10,860 ટીન, કિંમત રૂ. 42,96,920 મળી આવ્યા હતા. આ સાથે જ રૂ. 96.53 લાખના ઇલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ, રૂ. 15 લાખનું કન્ટેનર, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ પણ વાંચો
પોલીસે હરિયાણાના રહેવાસી કન્ટેનર ચાલક મોહમદ આઝીબ ઉમર મોહમદની ધરપકડ કરી છે. આ કિસ્સામાં દારૂનો જથ્થો ભરનાર, મંગાવનાર અને કન્ટેનર આપનાર સહિત કુલ 5 ઈસમો સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું કે, સાહૂન નામના ઈસમના સૂચન મુજબ કન્ટેનર વડોદરા એરફોર્સ બ્રિજ પાસે પહોંચાડવાનું હતું. હાલ પોલીસે આ ગેરકાયદેસર દારૂ હેરાફેરીના રેકેટની વધુ તપાસ શરૂ કરી છે.