Ganesh Mahotsav 2025: રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025' યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે. મંત્રી સંઘવીએ જણાવ્યું કે, આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ રૂપિયા 52.50 લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
ચાર મહાનગરોમાં પુરસ્કાર:
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.
પ્રથમ ક્રમ: રૂપિયા 5,00,000
દ્વિતીય ક્રમ: રૂપિયા 3,00,000
તૃતીય ક્રમ: રૂપિયા 1,50,000
29 જિલ્લાઓમાં પુરસ્કાર:
ચાર મહાનગરો સિવાયના 29 જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે.
પ્રથમ ક્રમ: રૂપિયા 5,00,000
દ્વિતીય ક્રમ: રૂપિયા 3,00,000
તૃતીય ક્રમ: રૂપિયા 1,50,000
આ ઉપરાંત, પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને રૂપિયા 1,00,000/- લેખે આપવામાં આવશે.
શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવ્યા છે.
- ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ
- ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી
- 'ઓપરેશન સિંદૂર' અને સ્વદેશી વસ્તુઓની થીમ
- પંડાલનું સ્થળ (ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય)
- સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
- પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ
મૂલ્યાંકન સમિતિ:
- ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે.
- અન્ય 29 જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે:
- ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
આ વર્ષની થીમ:
થીમ-1: 'ઓપરેશન સિંદૂર'ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન.
થીમ-2: વડાપ્રધાનના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી.
આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.