Anand News: આણંદ જિલ્લાના વલાસણ ગામ નજીક મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાએ હલચલ મચાવી છે. પંચર પડેલી કારનું વ્હીલ બદલતા પાંચ લોકોને બેફામ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ પાંચ લોકો રોડ પાસેના નાળામાં ફંગોળાઈ ગયા હતા.
અકસ્માત સર્જી સ્વિફ્ટ કાર ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. લોકો દ્વારા ગાડી તપાસતા તેમાં પોલીસની વર્ધી તથા બોડી વોર્ન કેમેરો મળી આવ્યો હતો. આથી સ્થાનિકોમાં શંકા ઉઠી છે કે કાર કોઈ પોલીસ જવાન ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોએ પણ દાવો કર્યો છે કે ગાડી હંકારનાર વ્યક્તિ પોલીસનો જવાન હતો. અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના વિદ્યાનગર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા, સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી ફરાર ચાલકની ઓળખ તથા ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર ગાડીમાંથી મળેલા ડોક્યુમેન્ટ્સ અને બોડી વોર્ન કેમેરો પોલીસને સોંપ્યો છે. આ બનાવને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પર કોઈ નંબર પ્લેટ નહોતી, જેના કારણે ગાડીની માલિકીની પુષ્ટિ કરવા પોલીસને વધુ સમય લાગી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગાડી કોના નામે છે અને ઘટનાસ્થળેથી ફરાર થયેલો વ્યક્તિ કોણ છે તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.