Vadodara: આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વહેલી સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 250 મિ.મી (9.8 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી હાલોલનું જનજીવન થંભી ગયું છે, ત્યારે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
હકીકતમાં ભારે વરસાદથી પ્રતાપપુરા સરોવરમાં પાણીની ભરપુર આવક થઈ છે, જેની અસર વડોદરા સુધી પહોંચી છે. હાલોલ અને પાવાગઢથી આવતા પાણીના પ્રવાહના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો
હાલ તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ તાત્કાલિક અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપી દીધી છે. આ સાથે જ શહેરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય, તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
પાણીની વધતી આવકને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા અગમચેતીના ભાગ રૂપે પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. જેનો મુખ્ય હેતુ, ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર સુધી પાણી ના પહોંચે અને શહેરમાં પૂરની સ્થિતિ ના સર્જાય.

અત્યારે વરસાદના કારણ પાણીની આવક સતત વધી રહી છે, તો તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે. નાગરિકોને પણ સાવચેતી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિ સર્જાય, તો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાની સલાહ અપાઈ છે.