Vadodara: મંજુસર GIDCની ખુલ્લી ગટરો બની જીવલેણ, અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકો અને કામદારોમાં રોષ

મંજુસર GIDC વિસ્તારમાં ખુલ્લી ગટરોને ઢાંકવાની અનેકવાર માંગણી કરવામાં આવી છતાં જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી નથી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 19 Aug 2025 05:54 PM (IST)Updated: Tue 19 Aug 2025 05:54 PM (IST)
vadodara-news-deadbody-found-in-open-drains-of-manjusar-gidc-588268
HIGHLIGHTS
  • યુવકનો પગ લપસી જવાથી ગટરમાં ખાબક્યો હોવાનું અનુમાન

Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં ખુલ્લી ગટર ફરી એક વખત જીવલેણ સાબિત બની છે. પ્રેસ્ટિજ હોટલ પાસે આવેલી ખુલ્લી ગટરમાંથી એક પરપ્રાંતીય અંદાજે 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મંજુસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે મૃતક યુવક કયા રાજ્યનો વતની છે, કઈ કંપનીમાં કામ કરતો હતો અને આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે. પ્રાથમિક અનુમાન મુજબ, ખુલ્લી ગટરમાં પગ લપસવાથી કે અન્ય કોઈ કારણસર યુવક તેમાં પડી ગયો હોવાની શક્યતા છે.

મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે, જ્યાં હજારો પરપ્રાંતીય યુવકો રોજગાર માટે કામ કરે છે. આ કંપનીઓની આસપાસ અનેક જગ્યાએ ખુલ્લી ગટરો હોવાથી ત્યાં સતત અકસ્માત અને દુર્ઘટનાઓ બનવાનો ભય રહેતો હોય છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, ઉદ્યોગ વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારમાં જાહેર સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી.

આ ઘટના ના પગલે સ્થાનિક લોકો તથા કામદારોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓનો આક્ષેપ છે કે જીઆઈડીસી વિસ્તારમાં ખુલ્લી ગટરોને ઢાંકવાની અનેકવાર માંગણી કરવામાં આવી છતાં જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી નથી. સુરક્ષા વ્યવસ્થા ના અભાવે આજે એક નિર્દોષ યુવકને જીવ ગુમાવવો પડ્યો છે.