Vadodara: ગત 3 ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ડીકમ્પોઝ હાલતમાં મળેલી લાશ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અજાણ્યા પુરુષની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળ પર પહોંચી લાશ બહાર કાઢી હતી. ઘટનાસ્થળે લાશની આસપાસ મગરો ભટકતા હોવાથી તેમને ભગાડવા ભારે જહેમત કરવી પડી હતી. મૃતદેહની હાલત અત્યંત ખરાબ હતી, હાથ-પગનો એક ભાગ મગરોએ ખાઈ નાખ્યો હતો.
આ પણ વાંચો
સમા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને કબજામાં લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની કોઈ ઓળખ મળી આવી નહોતી, તેમજ વાલીવારસ પણ આગળ ન આવતા અંતિમ સંસ્કાર પોલીસ દ્વારા જ કરાયા હતા.
જોકે 13 દિવસ બાદ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે કે, મૃતક પર ધારદાર હથિયારથી અનેક ગંભીર ઘા કરવામાં આવ્યા હતા અને પછી તેની લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હતી.
સમા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી. કોડિયાતરે જણાવ્યું કે, હજી સુધી મૃતકની ઓળખ મળી નથી. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે આ મામલો હત્યાનો છે. અમે મૃતકની ઓળખ તથા તેના પરિવારની શોધખોળ શરૂ કરી છે. સાથે જ હત્યારા સુધી પહોંચવા તદ્દન ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને પોલીસ માટે અજાણ્યા મૃતકની ઓળખ તથા હત્યારો શોધવાની મોટી પડકારરૂપ પરિસ્થિતિ ઉભી કરી છે.