Gujarat Weather Update | Rajkot : જૂન-જુલાઈમાં મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ વરસાદે વિરામ લીધો હોય તેમ ગુજરાતના અનેક ભાગોમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે હવે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધ્યું છે. આજે પણ વહેલી સવારથી ગુજરાત અલગ-અલગ ભાગોમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને અલગ-અલગ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ લેટેસ્ટ અપડેટ અનુસાર, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ અને કચ્છ સહિત રાજ્યના 8 જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 3 કલાક દરમિયાન 8 જિલ્લાઓમાં 41 થી 61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ સિવાય સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી,ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના 102 તાલુકામાં મેઘાવી માહોલ, ગીર સોમનાથના ઉનામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ખેડા અને બોટાદના રાણપુરમાં સૌથી વધુ 56 મિ.મી (2.2 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 45 મિ.મી (1.7 ઈંચ) વરસાદ નોંધાયો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 50 તાલુકામાં વરસાદ પડ્યો છે. જે પૈકી ગીર સોમનાથના ઉના તાલુકામાં સૌથી વધુ 51 મિ.મી (2 ઈંચ) વરસાદ ખાબક્યો છે. અન્ય તાલુકામાં પાટણના સાંતલપુરમાં 36 મિ.મી, આણંદમાં 33 મિ.મી, બોટાદમાં 32 મિ.મી, સાયલામાં 28 મિ.મી વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 16 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
