રાજકોટની હવા પીક અવર્સમાં બની 'ઝેરી', AQI 152 સુધી પહોંચ્યું; હવાનું પ્રદૂષણ વધવાનું કારણ શું?

પીક અવર્સમાં રાજકોટ શહેરમાં AQI સર્વશ્રેષ્ઠ 29 થી વધીને મહત્તમ 152 એટલે કે મધ્યમથી ખરાબ શ્રેણી સુધી પહોંચી ગયો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 10:44 PM (IST)Updated: Mon, 26 Oct 2026 10:44 PM (IST)
rajkot-air-pollution-aqi-152-peak-hours-traffic-impact-on-air-quality
AI Generated Image

Rajkot Air Pollution AQI: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત રિયલ-ટાઈમ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનના તાજેતરના આંકડા અનુસાર, શહેરમાં પીક અવર્સ એટલે કે ટ્રાફિકના મુખ્ય સમયગાળા દરમિયાન વાયુ પ્રદૂષણમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકના ટ્રેન્ડ દરમિયાન શહેરના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સર્વશ્રેષ્ઠ 29 થી વધીને મહત્તમ 152 એટલે કે મધ્યમથી ખરાબ શ્રેણી સુધી પહોંચી ગયો છે.

સવારે 8 કલાકથી 11 કલાક અને સાંજના 6 કલાકથી 9 કલાક દરમિયાન માર્ગો પર વાહનોની ભારે ગીચતાના કારણે સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા વાયુઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનના આંકડા મુજબ સ્તર 74.4 (ગ્રાફમાં મહત્તમ 89.12 સુધી) જોવા મળ્યો છે.

આ ઉપરાંત સવાર અને સાંજના સમયે તાપમાન નીચું રહેતા અને દબાણ વધતા પ્રદૂષિત કણો વાતાવરણમાં નીચેના સ્તરે જમા થાય છે, જેનાથી ટ્રાફિકના ધુમાડાનો નિકાલ ઝડપથી થતો નથી. વાહનોના હોર્ન અને ટ્રાફિકના લીધે અવાજનું સ્તર 66.4 dB(A) સુધી પહોંચી ગયું છે, જે રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો માટે સામાન્ય સ્તર કરતાં વધારે છે.

રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે રેસકોર્સ, ત્રિકોણબાગ, જામ ટાવર, સેન્ટ્રલ ઝોન અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવા અને સિગ્નલ પર વાહનો ચાલુ રાખવાને બદલે એન્જિન બંધ કરવાની જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી રહી છે.