Rajkot News: વીંછીયા તાલુકાના ખેરડી (ખેરાળા) ગામમાં રહેતી અને ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અને પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરાએ આશરે આઠ દિવસ પહેલા પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરની અસર થતા જ તેને તાત્કાલિક પ્રથમ મોઢુકા અને ત્યારબાદ વધુ સારવાર માટે જસદણ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, ત્યાં પણ તેની તબિયતમાં સુધારો ન થતા અને સ્થિતિ વધુ ગંભીર બનતા તેને તાકીદે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
રાજકોટની સિવિલ હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે સારવાર દરમિયાન સગીરાએ દમ તોડ્યો હતો. મૃતકના પિતા વ્યવસાયે ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક બે બહેન અને એક ભાઈઓમાં સૌથી મોટી હતી. ધોરણ 11 માં ભણતી આશાસ્પદ દીકરીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા શ્રમિક અને ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
