Ahmedabad: રિવરફ્રન્ટ પરથી બે વર્ષની દીકરીને તેડી માતાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું, બન્નેના મોત

રેસ્ક્યુ ટીમે CPR આપતા બાળકીમાં જીવ આવ્યો અને તે રડવા લાગી. જેથી હોસ્પિટલ લઈ જતાં ફેફસામાં વધુ પાણી જતું રહેતા સારવાર દરમિયાન મોત થયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 Aug 2025 04:55 PM (IST)Updated: Sat, 16 Aug 2025 04:55 PM (IST)
ahmedabad-news-mother-jump-with-daughter-in-sabarmati-river-for-commit-suicide
HIGHLIGHTS
  • સ્વતંત્રતા પર્વની સંધ્યા ટાણે બનેલા બનાવથી અરેરાટી
  • માતાની તરતી લાશ પકડીને માસૂમ બાળકી તણાતી હતી

Ahmedabad: સ્વતંત્રતા પર્વની સાંજે અમદાવાદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાની બે વર્ષની દીકરી સાથે રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતુ. આ ઘટનામાં માતા અને બાળકી બન્નેના મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે 6 વાગ્યાની આસપાસ શહેરના ઉસ્માનપુરા ગાર્ડન તરફના રિવરફ્રન્ટ પર એક મહિલા પોતાની દીકરીને તેડીને સાબરમતી નદીમાં કૂદી પડી હતી. આ ઘટનામાં મહિલા મોતને ભેટી હતી, પરંતુ તેની બાળકી માતાની લાશ સાથે પાણીમાં તરી રહી હતી.

આ બાબતની જાણ થતા રિવરફ્રન્ટ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં રેસ્ક્યુ ટીમે બન્નેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યાં બાળકી જીવતી હોવાનું લાગતા રેસ્ક્યુ ટીમે CPR આપતા તે રડવા લાગી હતી. આથી તાત્કાલિક બાળકીને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું પણ મોત નીપજ્યું હતુ.

આ મામલે રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ પિન્કી રાવત તરીકે થઈ છે, જ્યારે બાળકીના ફેફસામાં વધારે પાણી જતું રહેવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે મહિલાના અંતિમ પગલું ભરવા પાછળનું કારણ જાણવાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.