Anand: આણંદ તાલુકાના રામનગર સુથારવાળા ફળિયામાં નિવાસ કરતા મહેન્દ્રભાઈ મનુભાઈ વાઘેલાનું અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં કરૂણ અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારના ભરણપોષણનો આધાર અચાનક ખસી જતાં પત્ની મીનાબેન અને સંતાનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ મુશ્કેલ સમયે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાએ પરિવારને થોડી આર્થિક રાહત આપી છે.
મહેન્દ્રભાઈએ બેંક ઓફ બરોડા, મોગર શાખામાં આ યોજના અંતર્ગત વીમો લીધેલો હતો. આ ઘટનાની જાણ થતાં જ બેંક ઓફ બરોડા આણંદના રિજીયોનલ મેનેજર સુજીતકુમારે જરૂરી કાર્યવાહી કરી હતી. જે બાદ RBIના ડેપ્યુટી જનરલ મેનેજર પૂર્ણિમા લાકરાના હસ્તે મૃતકની પત્ની મીનાબેન વાઘેલાને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પૂર્ણિમા લાકરાએ યોજનાની વિગતો આપતા જણાવ્યું કે, માત્ર રૂ. 436માં જીવન જ્યોતિ વીમા યોજનાથી અને રૂ. 20માં સુરક્ષા વીમા યોજનાથી બેંક ખાતેદારો પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. જીવન જ્યોતિ યોજનામાં કોઈપણ કારણસર મૃત્યુ થાય તો લાભાર્થીને રૂ. 2 લાખની સહાય મળે છે, જ્યારે સુરક્ષા યોજનામાં માત્ર અકસ્માતજન્ય મૃત્યુ પર જ સહાય આપવામાં આવે છે.
ચેક વિતરણના કાર્યક્રમમાં લીડ બેંક મેનેજર જગદીશ પાટીલ, બેંક ઓફ બરોડા મોગર બ્રાન્ચના મેનેજર સરોજ સ્વેન, સરપંચ, શાળાના આચાર્ય તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે આવી યોજનાઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલ સમયમાં જીવતર ચલાવવા માટે આશીર્વાદરૂપ બની રહે છે.
મહેન્દ્રભાઈના અવસાનથી ગામ શોકમગ્ન છે, પરંતુ આ યોજનાની મદદથી તેમના પરિવારને આર્થિક સંબળ મળતા થોડીક હદે સાંત્વના મળી છે.