અમદાવાદમાં AMC ફૂડ વિભાગની કાર્યવાહી, લાંભા ખાતે ખાદ્યતેલના રીપેકિંગ યુનિટમાં સિલ અને 3.93 લાખનો જથ્થો જપ્ત

અમદાવાદના લાંભા વિસ્તારમાં આવેલ મમતા એગ્રો પ્રોટીન ખાદ્યતેલ રીપેકિંગ યુનિટ પર AMC ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી રૂ. 3.93 લાખનો જથ્થો સ્થગીત કર્યો છે અને લાઇસન્સ રદ કરવાની ભલામણ કરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 11 Sep 2026 10:32 PM (IST)Updated: Fri, 11 Sep 2026 10:32 PM (IST)
ahmedabad-amc-seals-edible-oil-unit-seizes-rs-393-lakh-stock

AMC Food Safety Department Action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તા. 11/09/2026ના રોજ શહેરના લાંભા વિસ્તારમાં આવેલ એક ખાદ્યતેલના રિપેકિંગ યુનિટ પર અચાનક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગંભીર પ્રકારની અનિયમિતતાઓ બહાર આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ અને એકમની પ્રાથમિક વિગતો

ફૂડ સેફ્ટી વિભાગની ટીમે પીપળજ રોડ પર આવેલા આદર્શ એસ્ટેટ ખાતે કાર્યરત 'M/s. મમતા એગ્રો પ્રોટીન' નામના એકમ પર તપાસ કરી હતી. આ એકમ FSSAIના સેન્ટ્રલ લાયસન્સ નંબર 10721999000098 હેઠળ સોયાબીન ઓઈલ, કપાસિયા તેલ (Cottonseed Oil) અને પામ ઓઈલ જેવા ખાદ્યતેલોના રિપેકિંગની કામગીરી કરતું હોવાનું તપાસ દરમિયાન સત્તાવાર રીતે જણાઈ આવ્યું હતું.

સ્થળ તપાસ દરમિયાન મળી આવેલી ગંભીર અનિયમિતતાઓ

સ્થળ તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત ગંભીર ગણાય તેવી અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. એકમની જગ્યા પરથી મોટી સંખ્યામાં વપરાયેલા અને જૂના ખાલી ટીન મળી આવ્યા હતા, જેનો ફરીથી ખાદ્યતેલ ભરવા માટે દુરુપયોગ થવાની પૂરી શક્યતા હોવાથી વિભાગ દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને સ્થળ પર અંદાજે 300 જેટલા આવા ખાલી ટીન જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ઉપયોગમાં લેવાતા તેલના લેબલ્સની ચકાસણી કરતાં પેકેજિંગ અને લેબલિંગ સંબંધિત વિવિધ ખામીઓ પ્રાથમિક દૃષ્ટિએ નજરે પડી હતી, જેની વધુ તપાસ FSSAIના નિયમો અનુસાર ચાલી રહી છે.

રેકોર્ડ્સનો અભાવ અને ટ્રેસેબિલિટી સામે સવાલો

તપાસ દરમિયાન સૌથી મોટી ગરબડ એ સામે આવી કે આ એકમ દ્વારા અગાઉ રિપેક કરીને બજારમાં મોકલવામાં આવેલ ખાદ્યતેલના બેચ કે લોટ વાઈઝ (Batch/Lot-wise) ઉત્પાદન, રિપેકિંગ, સ્ટોક તેમજ ડિસ્પેચના કોઈ પણ પ્રકારના સંતોષકારક રેકોર્ડ્સ કે ટ્રેસેબિલિટી દસ્તાવેજો સ્થળ પર રજૂ કરવામાં આવ્યા ન હતા.

ફૂડ બિઝનેસ ઓપરેટરના જણાવ્યા મુજબ છત્રાલથી દર મહિને તેલનું એક ટેન્કર મંગાવવામાં આવતું હતું. જોકે, પૂરતા રેકોર્ડ્સના અભાવે તેલના મૂળ સ્રોતથી લઈને અંતિમ ગ્રાહક સુધીની ટ્રેસેબિલિતી સુનિશ્ચિત કરવામાં ભારે મુશ્કેલી ઊભી થાય તેમ છે, કારણ કે કોઈપણ બેચની ગુણવત્તા કે સલામતી અંગે પ્રશ્ન ઉભો થાય ત્યારે માર્કેટ રિકોલ અને ડિસ્ટ્રિબ્યુશનની પ્રક્રિયા માટે બેચ-વાઈઝ રેકોર્ડ અત્યંત અનિવાર્ય હોય છે.

હાથ ધરવામાં આવેલી પ્રતિબંધાત્મક અને કાયદેસરની કાર્યવાહી

આ સમગ્ર તપાસને પગલે AMCના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પર ઉપલબ્ધ ખાદ્યતેલના ભરેલા 175 ટીન (જેની અંદાજિત કિંમત રૂ. 3,93,750 થાય છે), આશરે 300 જેટલા ખાલી તથા વપરાયેલા ટીન અને સંબંધિત પેકેજિંગ મટીરિયલ તથા લેબલ્સ અંગે કાયદેસરની પ્રતિબંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરેલા ખાદ્યતેલના આ સમગ્ર જથ્થાના વેચાણ પર રોક લગાવી તેને સ્થગિત કરવામાં આવ્યો છે અને સાથેસાથે સમગ્ર યુનિટને સીલ કરવાની સખત કાર્યવાહી કરવામાં આવી છે.

સેન્ટ્રલ લાયસન્સ રદ કરવાની ભલામણ

સદર ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે સેન્ટ્રલ FSSAI લાયસન્સ હોવાથી, તપાસ દરમિયાન નોંધાયેલી તમામ અનિયમિતતાઓ, સ્થળ તપાસનો અહેવાલ તેમજ મજબૂત પુરાવાઓ સક્ષમ સેન્ટ્રલ લાયસન્સિંગ ઓથોરિટી સમક્ષ મોકલી આપવામાં આવશે. જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના વ્યાપક હિતમાં આ સેન્ટ્રલ લાયસન્સને સસ્પેન્ડ કે કેન્સલ કરવા માટે વિશેષ ભલામણ કરાશે, ત્યારબાદ સક્ષમ ઓથોરિટી દ્વારા FSS એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ મુજબ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ખાદ્યતેલોની ગુણવત્તા, યોગ્ય પેકેજિંગ, લેબલિંગ અને નાગરિકોને શુદ્ધ તથા સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આ પ્રકારે ચેકિંગ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.