Surendranagar: લખતર હાઈવે પર બે કાર ધડાકાભેર ભટકાયા બાદ સ્વિફ્ટ ભડભડ સળગી ઉઠી , બે બાળકો સહિત 8 જીવતા ભૂંજાયા

અકસ્માતમાં મોતને ભેટેલા પૈકી મોટાભાગના લોકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાનું ખુલ્યું. એક ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 17 Aug 2025 05:30 PM (IST)Updated: Sun 17 Aug 2025 07:00 PM (IST)
surendranagar-newsv-two-car-crash-on-lakhtar-highway-5-killed-587037
HIGHLIGHTS
  • ઝમર અને દેદાદરા ગામ સર્જાયો અકસ્માત
  • સ્વિફ્ટ ડિઝાયર અને હેરિયર કાર અથડાઈ

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે કાર સામ-સામે ધડાકાભેર ભટકાયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત 8 લોકો જીવતા ભૂંજાયા છે, જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્વિફ્ટ ડિઝાયર કાર કડુથી સુરેન્દ્રનગર જવા માટે લખતર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવતી હેરિયર કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, અકસ્માત બાદ સ્વિફ્ટ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ભડભડ સળગવા લાગી હતી.

આ ગોઝારા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં લખતર પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

હાલ તો પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે તેમજ એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકો પૈકી મોટાભાગના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાનું માલૂમ પડ્યું છે. મૃતકોની ઓળખ મીનાબા વિરેન્દ્રસિંહ રાણા (કડુ), કૈલાબા જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ.55, રહે. જીંજર, હાલ ભાવનગર), રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (ઉં.વ. 47, રહે. કડુ), દિવ્યાબા હરદેવસિંહ જાડેદા (ઉં.વ. 32, રહે. કચ્છ), નીતાબા ભગીરથસિંહ જાડેદા (ઉં.વ.53, રહે. જામનગર), પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (35), રિદ્ધિબા પ્રતિપાલસિંહ (13) અને દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (10 માસ) તરીકે થઈ છે.